એક કલાક ને પંદર મીનીટ..


(જીવનની ચાર અવસ્થાઓ વિષે લગભગ બધા જ જાણે છે. બાલ્યાવસ્થા, યુવાવસ્થા, પુખ્તાવસ્થા અને વૃધાવસ્થા. માણસ ના જીવનમાં આ ચાર અવસ્થાઓ ઘણીજ વિચિત્ર રીતે વણાયેલી હોય છે. અને દરેક અવસ્થાઓમાં માનવી અલગ અલગ રીતે વર્તે છે. દરેક અવસ્થાની મજા પણ નિરાળી હોય છે.)
  
(મૂળવતન ભરૂચથી અમદાવાદ ટ્રેનમાં મુસાફરી કરતી વખતે એક સાંજે મારું ધ્યાન આવી જ અમુક વાતો પર ગયું. કોણ જાણે કેમ પણ આ અલગ અલગ અવસ્થાઓ ઉપર વિચાર આવવા માંડ્યા અને પછી મેં મારી જાતને જ એ ચારે અવસ્થાઓ માં ચીતરી જોઈ. માનવ કેટલો બધો બદલાય છે એના જીવન દરમ્યાન એનુ મને ભાન થયું અને એ પણ ફક્ત એક કલાક ને પંદર મીનીટ માં એટલે ભરૂચ થી વડોદરા આવતા સુધી..)
  
  
  
૧૩ સપ્ટેમ્બર ૨૦૦૯,
  
    લગભગ સાંજે ૬:૧૦ એ હું સ્ટેશને પોહચ્યો. પપ્પા એ આપેલા છુટ્ટા ૫ રૂપિયાની બદોલતે રીક્ષા જોડે મગજમારી કર્યા વગર સીધો સ્ટેશને જઈ ટીકીટ લઇ પ્લેટફોર્મ પર પોહચ્યો. ટ્રેન  આવવાને હજી ૧૫ મીનીટ ની વાર હતી. હું આવતા જતા લોકો ને નિહાળી રહ્યો હતો. એટલામાં અનાઉન્સમેન્ટ થયું કે ટ્રેન ૨૦ મીનીટ મોડી છે. આશરે ૬:૫૫ એ ટ્રેન આવી ને હું નિયમ મુજબ D૫ રીઝર્વેશન ડબ્બા માં બેઠો. D૫ એ ટ્રેન નો આવો ડબ્બો છે જેમાં મોટેભાગે વડોદરા સુધીના રીઝર્વેશન ના મુસાફરો જ બેઠા હોય. બેસવાની જગ્યા હતી નહી એટલે દરવાજેથી ત્રીજા નંબરની સીટ ને ટેકો દઈ ઉભો. આજ ડબ્બા માં એક પરણિત બહેન પોતાના ૪ વરસ ના બાળક સાથે દરવાજા થી ચોથા નંબર ની સીટ પર બેઠા હતા.  મારા માનવા મુજબ એ બહેન કદાચ મુંબઈથી બેઠા હોવા જોઈએ અને વડોદરા ઉતરવાના હતા એ એમની વાતો પરથી જણાતું. ઘણા બધા ફેરિયાઓ અને ભીખારીઓ અવાર નવાર ટ્રેન માં આવતા રહેતા. અમુક વાર ટ્રેન માં ૪ – ૫ વરસ ના બાળકો હાથમાં બે લાકડાના નાના ટુકડા લઈને “ટક ટક ટક ટક..” અવાજ કરી સાથે કોઈ ગીત ગાઈને પેટ્યું રળવા પણ આવતા. આવો જ એક ૫ વરસ નો છોકરો પોતાની ઉમર વિરુદ્ધ ગાઈ ગાઈ ને બેસી ગયેલા અવાજમાં જાણે કોઈ મોટા માણસ નો અવાજ હોય એમ ક્યારેક,” શીરડીવાલે સાઈબાબા..” કે ” દેખ તમાશા લકડી કા..” જેવા ગીતો ગાઈ બે પૈસા રળી રહ્યો હતો. હું ઉભો હતો ત્યાંજ આવીને અને ગાવાનું શરૂ કર્યું,
 
દેખ તમાશા લકડી કા..
જીતે લકડી મરતે લકડી, દેખ તમાશા લકડી કા..
જગ મેં તેરા જનમ હુઆ, ખાટ બિચારી  લકડી કી,
બચપણ મેં.. ઝૂલા ઝૂલાયા લકડી કા..જબ સે તું બુઢ્ઢા હુઆ, ટેકા લિયા તુને લકડી કા,
જબ સ્મશાન મેં તુજે જલાયા, ચિતા બની લકડી કી..
દેખ તમાશા લાકડી કા..
 
D૫ માં બેઠેલા પેલા બહેને પોતાના ૪ વરસના બાળક ને હસાવવા પેલા ભીખ માંગતા બાળક ને કોઈ નવા ફિલ્મ નું ગીત ગાઈ નાચવા કહ્યું ને પેલો બે પૈસા વધારે મળે એની લાલચે નાચી ઉઠ્યો ને ગાવા માંડ્યો..
 
આશિક બનાયા, આશિક બનાયા..
આશિક બનાયા આપને..
તેરે બિન સુની સુની હૈ રાહે, તેરે બિન પ્યાસી પ્યાસી નિગાહે..આશિક બનાયા.. આશિક બનાયા..
 
એ બહેને ૧ રૂપિયો આપી ને એ બાળક ના મુખ પર નીરસ હાસ્ય ફેરવ્યું ને એ બાળક ચાલી નીકળ્યો આગળ ના ડબ્બે. આ હતી “બાલ્યાવસ્થા”, એક પેલા માંના ખોળામાં સુતેલા ૪ વરસના બાળકની ને બીજા પેલા બે પૈસાની લાલચે ભીખ માગીને નાચતા ૫ વરસના ભિખારીની (બાળકની)..!!
યુવાવસ્થા, જુવાનીનું જોમ, ગરમ લોહી, કઈ કરવાનો ઉત્સાહ, નવી જ ફુટેલી પાંખો, ઉડવાની તમન્ના, મોકળું આકાશ ને અધીરો જીવ, સ્વતંત્રતા.. આ દરેક વસ્તુઓ ની હારમાળા એટલે યુવાની. તાજેતર માં જ બાર સાયન્સ પાસ કરીને વિદ્યાનગરમાં ઇજનેરી શાખામાં એડમીશન લઈને ભણવા જતા ૪ યુવાનો પોતાના ઘર સુરતથી (બોલી પરથી મને લાગ્યું) વિદ્યાનગર જઈ રહ્યા હતા. કોલેજની ખટમીઠી વાતો, મસ્તી, નાઈટલાઇફની વાતો એમની અવસ્થાનો પુરાવો પૂરતા હતા. બધા યુવાનો લગભગ માધ્યમ વર્ગની ઉપરના કુટુંબમાંથી આવતા હોય એમ મને જણાયું. એટલામાં પાછળથી અવાજ આવ્યો “પાણી ના પાઉચ, પાણી ના પાઉચ..”. ૧૮ વરસ નો યુવાન, હજી તો એની મૂછ ના ફણગા જ ફુટ્યા હતા ને પાણી ના પાઉચ લઈને ટ્રેન ના ડબ્બાઓમાં ઠોલા ખાતો પોતાનું પેટીયું રળવા. આ ૪ યુવાનો એ લગભગ ૬ પાણીના પાઉચ લીધા. પાઉચ લેતી વખતે એક યુવાને ૫૦ની નોટ કાઢી. બીજા યુવાને બે પાઉચ બીજા લીધા આમ સરવાળે ૮ પાઉચ થયા. પાણી વેચનાર યુવક પૈસાની રાહ જોઈ રહ્યો હતો, અને છેવટે પાઉચના પૈસા માંગ્યા. ૪ યુવાનો એ દલીલ કરી કે ૫૦ની નોટ આપી. તો ૪૨ રૂપિયા લેવાના થાય છે ને તું પૈસા માંગે છે?? પેલા યુવકે નમ્રતાથી કહ્યું કે મને તમે પૈસા આપ્યા જ નથી. ને વાતમાંને વાતમાં પાણીવાળા ને ચોર કહી બે લાફા ઝીંકી દીધા.. હોઠમાંથી નીતરતા લોહી સાથે એ ચાલ્યો ગયો. અડધા કલાકે ચાણાની દાળવાળાને પૈસા આપવા એ યુવાન નો હાથ શર્ટના ઉપલા ખિસ્સામાં ગયો ને ભૂલથી પાછી મુકાઈ ગયેલી ૫૦  ની નોટ કે જે પાણીવાળાને આપી હતી આવો ભ્રમ હતો એ નીકળી. આ હતી “યુવાવસ્થા”, એક પાણી વેચી હકના બે પૈસા કમાનાર યુવાનની ને એક યુવાનીના આકાશમાં રાચતા ઉછાછળા યુવાનની..
 
મને બેસવાની જગ્યા હજી સુધી મળી નોહતી, કેમ કે રીઝર્વેશન કરાવવાની મારી આદત ન   હતી ને D૫ વડોદરા સ્ટેશને આખો ખાલી થઇ જતો એટલે મારે લગભગ સવા કલાક જેવું ઉભું રેહવું પડતું. મીયાગામ કરજણ હજી હમણા જ ગયું હતું એટલે ટ્રૈન માં નવા ચડેલા મુસાફરોની ચહલ પહલ વધી હતી. હું જ્યાં ઉભો હતો એની બરાબર પાછળ ના ભાગે બે આધેડ વયના આશરે ૫૦-૫૫ વરસ ની ઉમરના પુરુષો બેઠા હતા. એક મુંબઈના જણાતા હતા ને બીજા વાપીના હતા. બંને પુરુષો વડોદરા સ્ટેશને ઉતરવાના હતા. અચાનક મારું ધ્યાન એમની વાતો પર ગયું. મુંબઈ ના પુરુષે વાત ચાલુ કરી, ને પછી એમની વચ્ચે નોકરી ધંધાની વાતો થઇ એ મેં સાંભળી. મુંબઈવાળા ભાઈ મોટા વેપારી હોય એમ લાગ્યું, એમનો કપડાનો વેપાર હતો. જથ્થા બંધ ભાવે એ કપડા આખા ભારત માં ને બહારના દેશો માં પણ નિકાસ કરતા. વાપીવાળા ભાઈ સામાન્ય કારખાના માં નોકરી કરતા હોય એમ એમની વાતો પરથી લાગ્યું ,  પણ એમના મુખ પર ગજબનું તેજ હતું. એમના અંતરાત્માની પ્રસન્નતા એમના મુખ પર સ્પષ્ટપણે દેખાઈ રહી હતી, જ્યારે વેપારીભાઈ ઉદાસ જણાતા હતા. વેપારીભાઈ એ બીજા ભાઈ ને પૂછ્યું, “નોકરીના અર્થે વાપી જવાનું થયું?” બીજા ભાઈ એ જવાબ આપ્યો, “ના ભાઈ, એ તો મારી છોકરીના સાસરે ગયો’તો. લગ્ન પછી પહેલી વાર પિયર આવી હતી તો સાસરે મૂકી આવ્યો.” આ સાંભળી વેપારીભાઈ નું મોઢું જરા વધારે ઉદાસ થયું પણ સંસ્કાર ને સભ્યતા ને હિસાબે કુત્રિમ હાસ્ય આપી છોકરીને સદા સૌભાગ્યવતી રહે એવા આશીર્વાદ આપ્યા. પણ તેલ કારખાનામાં મજુરી કરીને સફેદ થયેલા વાળવાળા માનવીથી તે કઈ છૂપું રહે..!! તરત બીજાભાઈ એ વેપારીભાઈ નો આભાર માની પૂછ્યું, “તમે તો વેપારના અર્થે જ બહાર ગયા હશોને..??” વેપારીભાઈ એ જવાબ આપ્યો, “ભાઈ પૈસાની મને કઈ ખોટ નથી. મારી ૧૦ પેઢીઓ વગર કમાયે ઘરબેઠા ખાય તોપણ પૂરું પડે એમ છે. પણ ભાઈ ખાવા ફક્ત આવતી પેઢી હોઈ તો પણ બસ છે.” નીસાસો નાખી ને એમણે પાછું ઉમેર્યું, ” મારે કોઈ છોકરો નથી ને ન હોવાનો મને રંજ પણ નથી.  મારે એક છોકરી છે, કદાચ તમારી છોકરી જેટલીજ પણ માનસિક રીતે અસ્વસ્થ છે. દાક્તરો ના કેહવા પ્રમાણે એ ૨૩ વરસ ની હોવા છતાં ૧૨ વરસ ની હોય એમ વર્તે છે. મારા પછી કોઈ નથી એની સંભાળ રાખવાને લગ્ન કરવાની તો વાત જ નિરર્થક છે. કોને ભરોસે છોડી જઈશ એને, મને નથી સમજાતું. એની ચિંતા મને ખાવા દોડે છે ભાઈ. તમારી છોકરી ની વાત સાંભળીને મને બહુ આનદ થયો પણ એટલું જ દુખ કદાચ મારી જાત પર પણ થયું. સઘળું હોવા છતાં કઈ નથી મારીપાસે ભાઈ.” બીજા ભાઈ ની આંખમાંથી ટપ ટપ આંસુ સરી પડ્યા, ને રડતા અવાજે વેપારી ભાઈ ને દિલાસો આપ્યો. આ હતી પુખ્તાવસ્થા ની મુંઝાવણોમાં ખોવાયેલા બે પુરુષોની મનોવ્યથા. કોઈકની પાસે ના હોવા છતાં પણ ઘણું છે ને કોઈકની પાસે બધું હોવા છતાં કઈ નથી..
 
મારી આંખો પણ એમની વાતો સાંભળી થોડી ભીની થઇ ઉઠી. હું મન અને તન થી જરા સ્વસ્થ થઉ એ પેહલા તો ડબ્બા માં ચહલ પહલ વધી. વડોદરા આવાને ૧૫ મિનીટની વાર હતી. મુંબઈથી બેઠેલા ને વડોદરા આવવાની રાહ જોતા મુસાફરો ને હવે સંતોષ ન હતો. બધા પોતપોતાની પેટીઓ ને થેલા લઇ ને ઉતારવાની તૈયારી કરી રહ્યા હતા. સીટ પરથી ઉભા થયેલા લોકો ને લીધે થોડી ભીડ વધી હતી, ને હું જગ્યા રોકવાની લહાયમાં આમ તેમ ફાફા મારતો હતો. એટલામાં જ પાછળ થી ધડામ દઈ ને કઈ પાડવાનો અવાજ આવ્યો, ને મારી નજર એ બાજુ ફરી. એક ૮૦ વરસના વૃદ્ધ ઉતરવાની ઉતાવળ કરવામાં સીટ ની ઠોકર ખાઈને નીચે પડ્યા. જાતે ઉભા થવાની તાકાત તો ન હતી એમના માં એટલે ઉભા થઇ શક્યા નહિ. એટલામાં આગળ થી અવાજ આવ્યો, “જોઇને ચાલતા શું થાય છે. દેખાતું નથી? મને મોટા ખર્ચમાં ઉતારીને તમને મજા આવે છેનહી?”. એ એમનો એકમાત્ર પુત્ર, ભવ્યતાની જાહોજલાલી માં રાચતા ને પોતાને ઉચ્ચ વર્ગ નો ગણતા અભિમાની પુરુષોમાનો એક. પોતાના બાપની વ્યથા કરતા એને પૈસા ખર્ચાઈ જવાની ચિંતા વધુ હતી. લાગણીનું પ્રતિક કહેવાતી છોકરીઓ ને ખોટું કહેવડાવે એવી એની પત્ની મુક બની આ ચિત્ર જોઈ રહી. પોતાના બે નાના “દાદા.. દાદા..” બુમો પાડી રહેલા બાળકો અટવાઈ ના જાય એની બીકે પકડી રહી હતી ને સ્ટેશન આવવાની રાહ જોઈ રહી હતી. ઉભા થવા વાળાની ભીડ વધતી જતી હતી, એટલામાં એક યુવાને વૃદ્ધને ટેકો આપી ઉભા કર્યા. ઢળતી ઉમર મુજબ એમના હાથ ને પગ ધ્રુજી રહ્યા હતા. યુવાને અમને બેસાડી ને થોડું પાણી આપ્યું. વડોદરા સ્ટેશન આવવાને બસ ગણતરીની ૨ – ૩ મિનીટ બાકી હતી. એટલે વૃદ્ધ બાપ ના પુત્રે ફરી બોલવા માંડ્યું, “તમને કઈ શરમ જેવું હોય તો ઝટ ઊતરજો. મને દોડાવશો નહી. ના પાડી’તી  કે સાથે આવવાની કોઈ જરૂર પણ સમાજ પડે તો ને? કોણ જાણે શું જોવાનું બાકી રહી ગયું હતું? ને કયા જનમના પાપ કર્યા છેતો તમારો પાલો પડ્યો. ચાલો હવે, મારું મોઢું શું જુવો છો”. સ્ટેશન આવી ગયું હતું, પુત્રની ધર્મપત્ની જેમ દુષ્કાળગ્રસ્ત ભૂખથી પીડાતો હોઈ એમ ગરમી થી પીડાતી હોય એવો નાહક નો અભિનય કરી રહી હતી. પુત્ર ને પુત્રવધુ એમના બે બાળકો લઈને ઉતરી ગયા ને ઘરે વહેલા પહોચવા રીક્ષા શોધવા માંડ્યા. વૃદ્ધ ભીની આંખે બધું જોઈ રહ્યો, એના દુઃખનો પાર ન હતો. પોતાના પુત્ર માટે પોતાના સુખોનું બલિદાન આપનાર આજે પોતાના જીવન ની અતિમ ઘડી માટે ભગવાન પાસે યાચના કરી રહ્યો હતો, ને જાણે કઈ ખબર જ ના હોય એમ મૂંગો ભગવાન બધું જોઈ રહ્યો હતો. યુવાને વૃદ્ધને ધીરેથી નીચે ઉતાર્યા. વૃદ્ધે આભાર વ્યક્ત કર્યો. એટલામાં પાછળ થી ઘરડો ને ઉમરના લીધે ધ્રુજતો એક હાથ વૃદ્ધના ખભે મુકાયો ને અવાજ આવ્યો, “સાહેબ..”. વૃદ્ધે ફરી ને જોયું ને એની આંખમાં હર્ષના આંસુ આવી ગયા, “કોણ..? ઈશ્વર..??”.  ઈશ્વરભાઈ એ જવાબ આપ્યો, “હા સાહેબ હું જ, ને આ યુવાન મારો પુત્ર..”. વૃદ્ધ રડી પડ્યો ને જૂની યાદો તાજી કરવા લાગ્યો. વૃદ્ધે યુવાન ને કહ્યું, “બેટા, આ તારો બાપ મારી ઓફીસમાં હતો. મારો સારો મિત્ર. એને બહુ દુખના દહાડા જોયા છે, એનું ધ્યાન રાખજે.” યુવાન ને નમ્રતાથી જવાબ આપ્યો, “સાહેબ, મને ખબર છે, મારા બાપા ની ત્રેવડ ન હતી છતાં અમને ભણાવ્યા ને આજે સારી સ્થિતિમાં લાવી ને મુક્યા છે. એક સામાન્ય પટાવાળો કેટલું કરી શકે એની સમજ છે મને સાહેબ. હું સાત ભવ એમનો પુત્ર થઇ અવતરું તો પણ બાપ નું ઋણ ચૂકવી શકું એમ નથી. તમારી નાણાકીય મદદ ને લીધે જ તો હું આજે આ મુકામે પહોચ્યો છું.” ઈશ્વરભાઈ બોલ્યા, “બેટા, ચાલ જવાદે એ બધી વાતો ને આપણે અમને ઘરે મૂકી આવીએ.” વધારે ઉમેરતા એમણે વૃદ્ધ ને કહ્યું, “સાહેબ, ચાલો મારા પુત્ર ને લેવા મોટર આવી છે તમને ઘરે મુકતા જઈએ.” વૃદ્ધ થી ના રેહવાયું ને એમણે પૂછ્યું, “ઈશ્વર, તારો પુત્ર શું કરે..?” ઈશ્વરભાઈ એ વિનમ્રતા થી જવાબ આપ્યો, “એ ઘરડા ઘર ચલાવે છે, સાહેબ..” વૃદ્ધ નું હૃદય આ સાંભળી બેસી ગયું.
 
મને જગ્યા મળી ગઈ હતી, બારી પાસે..!! આખો ડબ્બો લગભગ ખાલી થઇ ગયો હતો. હું બારી પાસે બેસી બધું જોઈ રહ્યો. મારી આંખ માંથી આંસુ નીકળતા હતા પણ મને ભાન નહતું કે આંસુ લૂછવાની મેં દરકાર પણ નોહતી લીધી.

યુવાને અને ઈશ્વરભાઈ વૃદ્ધ ને ઘરે મૂકી જવા જીદ કરી. પણ વૃદ્ધ પોતાના નિર્ણય પર અચલ હતા. વૃદ્ધે કહ્યું, “બેટા, મારો પુત્ર મારી વાટ જોતો હશે. એને ચિંતા થતી હશે મારી. તું મને બહાર સુધી મૂકી જા, હું મારા પુત્ર જોડે જઈશ.” “ક્યાં ગયા..?? ચાલો ને હવે, ઝટ કરો. કે પછી અહિયાં રેહવાનો વિચાર છે?”, પુત્રનો કાને ઘસરકા પડતો અવાજ પાછો આવ્યો.

હું જોઈ રહ્યો. માણસના આવા બદલાયેલા સ્વરૂપો જોઇને હું ચકિત હતો. આટલો બધો ફેર માનવીના વર્તનમાં..? મારા દિમાગ માં આ પ્રશ્ન ચકરાવો લેતો હતો. ચારે અવસ્થાઓ અલગ અલગ સ્વરૂપમાં મેં આજે ફક્ત એક કલાક ને પંદર મિનીટમાં જોઈ હતી. આટલી બધી અસમાનતા સમાજમાં? હસવા – રમવાના દિવસોમાં ભીખ માંગવી..?? હકના પૈસા લેવામાટે પણ માર ખાવો..?? બધું હોવા છતાં પણ કઈ ના હોવું..?? પોતાની જાતનું બલિદાન આપનારના આ હાલ..? આ સમાજ..?? આ સંસ્કારો..?? તો ધૂળ છે આ માનવજાતને એની જીંદગીને એની સંસ્કૃતિને ને એના ગર્વને..

વડોદરા થી અમદાવાદ સુધી ની મુસાફરી મેં એજ વિચારો માં પૂરી કરી. ક્યારે મણીનગર આવી ગયું ખબર ના પડી. પણ આજે ફક્ત એક કલાક ને પંદર મિનીટ માં મને જીવન નો મર્મ સમજાઈ ગયો. ને મારું મન વિચારો ના ગુચવાડામાં ગુચવાઈ ગયું..

 
Zenith Surti | 15th Sep ’09
Advertisements
This entry was posted in ટૂંકી વાર્તાઓ અને લેખો... Bookmark the permalink.

15 Responses to એક કલાક ને પંદર મીનીટ..

 1. Nrupen કહે છે:

  Zenith, te ghanu badhu joi lidhu…

 2. Pranay Pathak કહે છે:

  Nice One…

  People obseve & experience many things in their routine life but not everyone can describe the same in words, on the paper…

  Very few can do and you The One…Again very sensitive…

  Keep touching my heart like this way…

 3. Khushbu Shah કહે છે:

  Bahu j Saras ekdam mature.
  Mane vanchati vakhate evu lagyu ke hu koi mahan lekhak nu sahitya vanchi rahi chhu.
  keep it up.

 4. rajeshpadaya કહે છે:

  માધવ ક્યાયે નથી મધુ વનમાં, ભાઈ આપ તો ઘણા હોશિયાર છો,,,ખુબ જ સરસ લખ્યુ છે હો !!!

  • Zenith Surti કહે છે:

   આદરણીય શ્રી રાજેશભાઈ,

   આપે મારા બ્લોગની મુલાકાત લીધી અને પ્રતિભાવ આપી મને પ્રોત્સાહિત કર્યો તે બદલ ખૂબ ખૂબ આભાર..

   ઝેનિથ

 5. Mehul કહે છે:

  saras… khub j saras…..

  lakhta rahejo………

 6. saifee kadi કહે છે:

  ઝેનીથ સુરતી, આપ એ ખુબ જ સરસ લખ્યુ છે, આજ ના યુવાનો ને વાચવા જેવું છે. કાલે તે પણ વૃદ્ધ થવાનો છે. સૈફી કડી. દાહોદ .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s