Category Archives: લેખો..
“મારી ઘટના ને તમારા અભિપ્રાયો”
“મારી ઘટના ને તમારા અભિપ્રાયો”
(ભાગ ૩)
મિત્રો, આજે ઘણા દિવસ પછી કઈ લખવાનું મન થઇ રહ્યું છે. મેં “મારી ઘટના ને તમારા અભિપ્રાયો” ના બે ભાગ લખી નાખ્યા છે, ને આજે ત્રીજો ભાગ લખવા જઈ રહ્યો છું. આ ઘટનામાં મેં ત્રણ જુદી જુદી ઘટનાઓ આવરી લીધી છે કે જેમનો એકબીજા સાથે સીધો તો કોઈ સંબંધ નથી પણ ત્રણે ઘટનાઓ ના પ્રશ્નો એક સરખા જ છે..
એ તો તમને પણ ખબર છે કે આજે ભ્રષ્ટાચાર ને ગુનાખોરી ખૂબ વધી ગયા છે. આ ઘટનાઓ પણ આજ વિષય વસ્તુને સંકળાયેલી છે. હું ટૂંકમાં તમને વર્ણવી મારા મગજમાં ચાલતા આ ગૂંચવાયેલા સમીકરણો ના અમૂક ઉકેલ દર્શાવીશ. અને એના અભિપ્રાયોની તમારી પાસે આશા રાખીશ.
હું જ્યાં રહું છું ત્યાં અવારનવાર લાઈટ (ઈલેક્ટ્રીસીટી) જતી રહે છે. આનું મુખ્ય કારણ ગામડાઓમાં અપાતો વીજળીનો કાપ કે જેથી નજીકનાં શહેરમાં ચાલતા ઔદ્યોગોને વીજળીની ખોટ ન પડે. સમજ્યા કે ઔદ્યોગોની જરૂર છે આપણા દેશને. સમાજનો ને દેશનો વિકાસ એના થકી છે, ને એની સામે મારો કોઈ વિરોધ પણ નથી. પણ જ્યારે સરકારના જ માણસો એ ઔદ્યોગોપાસેથી પૈસા લઇ જરૂર કરતા વધારે વીજળીકાપ ગામડાઓના ગરીબ લોકો પર મુકે ત્યારે..? સરકારી ખાતાવાળા જ્યારે તમને સીધી રીતે જવાબ ન આપે ત્યારે..? કે પછી તમે ફોન પર કમ્પ્લેન કરવાની ટ્રાય કરો ને સરકારી કચેરીમાં ફોનનું રીસીવર જ નીચે મૂકી દીધું હોઈ તો..? ને કદાચ ફોન ઊંચકી પણ લે અને તમને કહે કે લાઈટ નહી આવે તમારી થાય એ કરીલો..? કે પછી કોઈ માણસ નથી અત્યારે રીપેરીંગ કરી શકે એવો..? બોલો તો શું કરીલો તમે..? કોને જઈને કહો..?
આજ વસ્તુ ટેલીફોન ખાતાવાળા સાથે પણ સરખી જ છે. હું અત્યારની જ વાત કરું, છ સાત દિવસ પહેલા થોડું વાવાઝોડું આવેલું ને બે ત્રણ થાંભલા પડી ગયેલા. ટેલીફોન ઓફીસમાં કમ્પ્લેન કરી કરી ને થાકી ગયો. આખરી બારમે દિવસે ટેલીફોનવાળો રીપેરીંગ કરવા આવ્યો. હજી તો પત્યું નહોતું, વાવાઝોડા ને લીધે કેબલ તૂટી ગયા હતા એટલે માંડ માંડ મેં એને મનાવ્યો તો એ મજુર લઈને આવ્યો ને ખાડો ખોદી આપ્યો કેબલ જોડવા. પેલા ભાઈએ કેબલ તો જોડી જોયા પણ કઈ મેળ પડ્યો નહિ.. ઉનાળા ખરા બપોરિયા તાપમાં મારું મગજ પણ ગયેલું હતું એટલે મેં જરા કહ્યું કે બહુ લાપરવાહી છે, ધાંધીયાવેળા છે..? ૩૦ દિવસ માંથી ૧૨ દિવસ ફોન બંધ રહે ને પછી રીપેર કરવા પણ કાલાવાલા કરવાના.. એટલે પેલા સરકારી ભાઈસાહેબે મને સંભળાવી દીધું કે વધારે મગજમારી કરશો તો આજે પણ રીપેર નહિ થાય.. બોલો શું કરી લો તમે..? કોને જઈને કહો..?
પોલીસ.. નામ સાંભળીને સામાન્ય માણસને તો બીક લાગી જ જાય પણ કદાચ બુટલેગરોને, સત્તોડીયાઓને, બે નંબરના ધંધો કરતા લોકોને જરાય બીક નથી લાગતી. આજની આ વિચિત્ર હકીકત છે. કદાચ આ ઘટનાથી મને પોલોસજાત માટે નફરત થઇ ગઈ હોઈ તો નવાઈ નહિ. હું જ્યાં નોકરી કરું છું ત્યાં મારે બસમાં જવાનું હોઈ છે. હું ઘરેથી નીકળી એક ચોક્કસ જગ્યા એ મારું વાહન પાર્ક કરું છું, કે જ્યાં મારા સિવાય ઘણા બધા પોતપોતાના વિહિકલ પાર્ક કરતા હોઈ છે. એક દિવસે મને ઓફિસથી આવતા ખાસ્સું મોડું થઇ ગયું. લગભગ રાત્રે ૧૨ વાગ્યાની આસપાસ હું મારા વિહિકલ પાર્ક કરવાની જગ્યાએ પહોચ્યો. મારું વિહિકલ ત્યાં હતું નહિ. એટલે મેં સીધા નજીકના પોલોસ સ્ટેશન જઈ એફ.આઈ.આર લખાવાની તજવીજ હાથ ધરી પણ પેલા ફરજ પરના પોલીસે પેહલા તો ના જ પાડી દીધી. મેં કાલાવાલા કર્યા તો એ જરા માન્યો. એને મારી પાસે આર.સી. બૂક માંગી એટલે મેં કહ્યું કે એતો ઘરે પડી છે. તો એને કહું કે, “ તો ભાઈ મેળ નહિ પડે..? હા પણ એક રસ્તો છે..?” મેં બોલવા કહ્યું. મને કહે, “કાચી નોધ લખી આપું પછી કાલે આવીને રીપોર્ટ લખાવી દેજો.” એટલે મેં હા કહ્યું. વળી પાછો બોલ્યો, ”એક કામ કરો ને કાલે જ આવજો. કાલે જ એફ.આઈ.આર લખી આપીશ.” એટલે હું સમજી ગયો ને મેં કહ્યું કે સાહેબ જે કઈ થાઈ એ લઇ લેજો પણ કરી આપો.
બીજી સવારે મેં ઘણી બધી જગ્યા એ શોધી જોયું પણ કઈ પત્તો લાગ્યો નહિ છેવટે કંટાળીને હું આર.સી બૂક લઇ પોલીસ સ્ટેશન ગયો. પેલાએ મારી વિગત અનુસાર કાચી નોધ કાઢી એટલે એને ખબર પડી ગઈ કે એ રાત્રે મેં કોની પાસે લખાવી હતી. એ ભાઈએ મને એફ.આઈ.આર તો લખી આપી પણ પાંચનામા માટે બીજા દિવસે આવવા કહ્યું. હવે વાત એમ બની કે કાચી નોધ લખવા વાળો પોલીસવાળો બીજો હતો ને એફ.આઈ.આર વાળો અલગ. એફ.આઈ.આર વાળાએ તો મારી પાસે વિહિકલ ની શોધખોળ માટે જરૂરી ૫૦૦ રૂપિયા લાંચ પેટે માંગી લીધા, પણ હું કઈ મુસીબતમાં ફસાવાનો હતો એની મને કલ્પના પણ નહોતી. ૨-૩ દિવસ પછી હું નક્કી કરેલા દિવસે પંચનામા માટે ગયો ત્યારે ત્યાં “કાચી નોંધ” લખવા વાળો પોલોસ ડ્યુટી પર હતો. એને મારો ઉઝરડો લઇ નાખ્યો. મને કહે કે તે બીજા પાસે એફ.આઈ.આર લખાવી જ કેમ..? એ ગુસ્સામાં હતો કેમ કે મારી લાંચના પૈસા જે એને લેવાના હતા એ એને મળ્યા નહોતા. આમાં મારો શું વાંક..? બોલો શું કરી લઉ હું..? કોને જઈને કહું..?
હું એટલો મોટો તો નથી કે દેશના બીજા ઘણા મહત્વના પ્રશ્નોમાં ધ્યાન આપું કે તે ઉકેલવા કઈ પ્રયત્નો કરું..? મારા માટે ને આપણા જેવા સામાન્ય માણસ માટે આ બધા પ્રશ્નો જ મહત્વનાં છે. આવા પ્રશ્નોનો ઉકેલ કઈ રીતે લાવવો..? કોને કહેવાનું..? ઉપાય કઈ રીતે કાઢવો..??
એમ તો હું એન્જીનીયર રહ્યો એટલે મારા “ખુરાફાતી” દિમાગમાં એકાએક ઘણા વિચાર આવી જાય, જેવા કે..
- મીડિયામાં ચમકાવીએ આવા પ્રશ્નો તો, પેનલ ડીસ્કશન રાખીએ તો..?
- કોઈ મંત્રીશ્રીનાં હેલ્પ લાઈન નંબર પર કમ્પ્લેન કરીએ તો..? (કદાચ એમાંય લાંચ આપવી પડે)
- કાંતો એક કામ કરી શકાય, મારામાં ગાંધીજીની જેમ ધીરજ નથી ને મારે ૧૫૦ વરસ પણ બગાડવા નથી.. તો યુવાનોનું એક યુનિયન બનાવીએ કે જે આવા લોકો ના પ્રશ્નો સાંભળે અને સીધા હિંસાનાં માર્ગે ઉપાય શોધે એટલે “ઈંટ નો જવાબ પથ્થરથી કે પછી ખૂન કા બદલા ખૂન..”
છેલ્લો જવાબ મારા મગજ પર ભારે અસર કરે છે મિત્રો.. આવા લોકોને આજ રીતે બોધપાઠ આપી શકાય એમ છે. ઘણા કહે છે કે, “કુતરા ને ભસવા ન જવાય..” પણ લાકડી કે પથ્થર વડે ભગાડાય તો ખરાને. ને જે કુતરા ને હું રોટલી નાખું એ જ કુતરો મને કરડે એ હું એ કોઈ કાળે ન ચલાવી લઉં.. તમારું શું માનવું છે..? શું છે તમારા અભિપ્રાયો..?
ઝેનિથ
૧૨/૦૬/૨૦૧૧
આજનું પ્રજા સત્તાક..!!
ગણતંત્ર.. એને પ્રજાસત્તાક પણ કહેવાય..!! ને આ આજનું પ્રજા સત્તાક..!!
નેતા ચૂંટાય પેહલા પ્રજાની મરજી થી ને પછી સત્તા ચલાવે પોતાની મરજીથી..
પોલીસથી લોકો વધારે ગભરાઈ છે ગુનેગારો કરતા..
પૈસા વગર સરકારી ઓફિસો માં કામ થતા નથી..
૪૧% લોકો ભારત માં ગરીબી રેખાની નીચે જીવે છે, સાથે સાથે ટેલીકોમ ૨જી કૌભાંડ, આદર્શ કૌભાંડ, સી.ડબ્લ્યુ.જી કૌભાંડ પણ જીવે છે..
આ છે આજનું પ્રજાસત્તાક એટલે ગણતંત્ર..!!
પોતાના ઘરમાં ચોરી થઇ હોઈ તો પોલીસ ને ચોર શોધવા પૈસા ખવડાવવા પડે છે.. વકીલ, જજ, નેતા, પટાવાળાથી સત્તાવાળા બધાને જ પૈસા ખવડાવવા પડે છે..
ખબર નથી કે કયા “ગણ” નું કયું “તંત્ર” કે કઈ “પ્રજા” ની કઈ “સત્તા” ચાલે છે આજે..
જરા જાણવા મળે તો મને પણ જણાવજો..
તમને નથી લાગતું કે આપણે જાગવાની ને બદલાવાની જરૂર છે..
Zenith (26/01/11)
વિચિત્રતા..!!
ગુજરાતી મારી માતૃભાષા..!
ગુજરાતી ભાષા પ્રત્યે આટલો પ્રેમ..!
દરરોજ ગુજરાતી બોલું, ગુજરાતી લખુ..!
ગુજરાતી માધ્યમમાં ભણ્યો..!
પણ આજે છેક, ખ્યાલ આવ્યો કે આજ સુધી મારા સંસ્કૃતમાં ગુજરાતી કરતા કાયમ વધારે જ માર્ક્સ આવ્યા છે..!!
એપ્રિલ મહિનામાં મેં એક પોસ્ટ મારા બ્લોગ પર મૂકી હતી,
“વહેમ છે મને કે, જીંદગીમાં કઈ મડ્યુ નહીં..
ને હકીકત એટલીજ, કે જે મડ્યુ એ ક્યાંય જડ્યુ નહીં..!”
પંક્તિઓ કેટલી સાર્થક લાગે છે નહિ..!
ને છેલ્લે,
“સમજણની નાસમજ ને સમજ સમજી, સમજણની પાળે ઉભો આ સમજદાર..!”
Zenith
28/12/10
“મારો એક વિચાર અને તમારા અભિપ્રાયો – ભાગ ૨”
(આજે હું તમારા અભિપ્રાયો માટે મારા લેખ નો બીજો ભાગ મૂકી રહ્યો છું. આ લેખ “માનવી અને દુઃખ માટેના મારા વિચારો” નો છે.. તમારા અભિપ્રાયોની આ વખતે પણ હું સહ-હૃદય અપેક્ષા રાખું છું. તમારા અમૂલ્ય અભિપ્રાયો મને કાયમ મળતા જ રહે એવી આશા..)
“મારો એક વિચાર અને તમારા અભિપ્રાયો – ભાગ ૨“
માનવી અને દુઃખ માટેના મારા વિચારો..
મારી પોસ્ટ “મારી એક ઘટના અને તમારા અભિપ્રાયો” માં એક વાચક મિત્ર એ એમના વીતી ગયેલા કિસ્સાની વાત કરી. વાત એમ બની કે એ મિત્ર મંદિરેથી નીકળ્યા, ભિખારી ભીખ માંગી રહ્યો હતો, પણ પૈસા ન હોવાને લીધે એ મિત્ર ધ્યાન આપ્યા વગર ફટાફટ રીક્ષા કરીને નીકળી ગયા. રિક્ષાવાળા ને પૈસા પણ ઘરે જઈને જ આપવાના હતા. પણ બન્યું એમ કે એમનાથી ન રહેવાયું ને એ પાછા ભિખારી પાસે ગયા. એમને ભિખારી ને કહ્યું કે, મારી પાસે પૈસા તો નથી પણ જો તને કઈ મદદ જોઈતી હોઈ કે તું કહે, તો હું બીજા પાસે પૈસા માંગી ને તને આપું. પણ ભિખારી એ સામે વળતો જવાબ આપી દીધો કે, જા – જા તું વળી શું પૈસા આપીશ..? તારી ખુદની પાસે પૈસા નથી..! મારા મિત્રને પણ એક વાર કદાચ એવો વિચાર આવી હયો હશે કે, ભીખારીઓ ને પણ શું મદદ કરવા જેવી છે..? ને કદાચ ૮૦ ટકા લોકોને પણ આ જ વિચાર આવે.
ચાલો, હવે આપણે ભિખારીને મદદ કરવી કે નહિ એ વાત ને ગૌણ ગણી ને મિત્રને દુઃખ થયું એ વાતને મુખ્ય ગણી વિચારીએ તો..! મિત્ર ને દુઃખ થયું એ વાત સાચી છે, પણ કેમ થયું..? આ “કેમ” નામનો સવાલ કાયમ વચ્ચે આવે જયારે આપણે જ્ઞાનતંતુઓ ને જોર આપીને અંતરના વિચારોને પરામર્શ કરવા પ્રેરિત કરીએ, ખરું ને..? આ વિચારો ના અર્થઘટનની ક્રિયા પણ અજીબ છે.
મારુતો સ્પષ્ટ પણે માનવું છે કે, માનવી ના વિચારો ની ભિન્નતા ને સમજણ શક્તિની અસ્પૃશ્યતા જ માનવી નાં એકબીજા પ્રત્યેના ગમા – અણગમાની ભાવના પેદા કરે છે. મારું ને તમારું નથી બનતું એટલે કે આપણા વિચારો મળતા નથી આવતા. આ એકદમ સામાન્ય વસ્તુ છે. તમને હું ગમું છું કેમ કે આપણા વિચારો આપણી ફ્રીકવન્સી મળતી આવે છે. બસ બીજું કઈ કારણ નથી. નાની નાની દરેક વસ્તુ માં આજ છે. વિચારો ને એનું અર્થઘટન.
દુઃખની વાત કરું તો, મિત્ર ને દુઃખ થયું, કેમ..? કેમ કે એને અપેક્ષા બંધાઈ ગઈ હતી. હું આમ કરીશ તો સામે મને આમ મળશે. ને આ મારા મિત્રની જ ખાલી વાત નથી, આ બધાની વાત છે. અપેક્ષાઓ જ માનવી ને દુઃખ આપે છે. પુત્ર એ મારા માટે આમ ન કર્યું, મેં એના માટે આખી જીંદગી આપી દીધી, કેટકેટલું કર્યું..? ને પુત્ર એ આવું કર્યું..? પણ છેલ્લે તો માં-બાપ ને દુઃખ થયું ને. માં-બાપે અપેક્ષાઓ રાખી, તો દુઃખ થયું..?
જેટલી અપેક્ષાઓ ઓછી રાખશો એટલું ઓછું દુઃખ થશે. હું આ વાત ને બહુ માનું છું. અપેક્ષાઓ હમેશા બને એટલી ઓછી રાખો. પછી તમને થશે કે, કોઈના માટે આપણે કઈ કરવું કે નહી..? કેમ કે અપેક્ષાઓ ઓછી કરવા માટે એને સૌથી મુખ્ય પરિબળ ગણી શકાય, ખરું ને..? કોઈના માટે કઈ કરવાનું જ નહિ, એટલે અપેક્ષા જ નહિ ને દુઃખ જ નહિ..! આ વસ્તુ દરેક માણસ – માણસ ના સ્વભાવ પર આધાર રાખે છે. ચાલો આ સમજાવવા હું એક નાની વાર્તા કહું. આ વાર્તા મારી જ ઓફીસમાં કામ કરતા એક સહપાઠી કાયમ કહે છે. ઉમરમાં એ મારાથી ઘણા જ મોટા છે પણ એમના વિચારો અદભુત છે. એમની સમજણ શક્તિ ને જીવન સાથે તાલ મિલાવવાની કળા પણ શીખવા જેવી છે. પર્જન્ય દવે, એમના વિચારો માં બહુ જ સ્પષ્ટ છે. એ આટલા જુનવાણી હોવા છતાં, કર્મને વધુ મહત્વ આપવા વાળા ઇન્સાન છે. એમને જ મને કર્મ ની મહત્વતા સમજાવી છે. મારે માટે પણ “કર્મ ને એમાં રહેલું મર્મ” મારા સિદ્ધાંતોમાં અગ્રીમ સ્થાને છે.
વાર્તા એમ છે, એક ગામ માં એક સુંદર ઝરણું હતું. બધા જ ગામવાસીઓ ત્યાં પોતાની રોજ-બરોજ ની ક્રિયાઓ જેવી કે નાહવા, કપડા ધોવા વિગેરે કરવા આવતા. ત્યાં નજીક માં જ એક ઋષિ નો આશ્રમ હતો. એ પણ રોજ ત્યાં નાહવા ને સુર્ય દેવતાની પૂંજા કરવા આવતા. એક દિવસ એમ થયું કે જ્યારે ઋષિ નહાતા હતા ત્યારે એમને ઝરણા માં એક વીંછી ને તણાતો જોયો. એટલે ઋષિ એને બચાવા લાગ્યા. પાણીનું વહેણ ઝડપી હતું. જેવો ઋષિ એ વીંછીને બચાવવા હાથ નાખ્યો કે તરત વીંછી એ ડંખ માર્યો. ઋષિ ને લોહી નીકળવા લાગ્યું. બે-ત્રણ વખત આવી ઘટના બની. આ જોઈ રહેલા એક ગામવાસી એ કહ્યું, ”મહારાજ, આ વીંછી તમને ડંખ મારે છે વારંવાર છતાં તમે એને બચાવો છો, ઝેર ચઢી જશે તો ભારે મુશ્કેલી થઇ પડશે..?” મહારાજે કહ્યું, ”બેટા, વીંછીનો સ્વભાવ તો ડંખ મારવાનો છે એટલે એ ડંખ મારશે, પણ મારો સ્વભાવ એક જીવની રક્ષા કરવાનો છે. જે હું કરી રહ્યો છું. એ એના સ્વભાવ પ્રમાણે વર્તે છે ને હું મારા. હું એને બચાવી રહ્યો છું કેમ કે મારા દિલ ને આમ કરવું ગમે છે, મને આનંદ થાય છે, સંતોષ મળે છે. એ મને શું કરશે એનાથી મને કોઈ નીસ્બદ્ધ નથી.” આમ દરેક વ્યક્તિ પોતાના સ્વભાવ મુજબ વિચારે છે, અર્થઘટન કરે છે ને અનુલક્ષે છે. અને એ એજ રીતે વર્તશે.



![Lazy Lass [eXPLoReD] Lazy Lass [eXPLoReD]](http://static.flickr.com/7083/7272226034_3d95aba441_t.jpg)