Category Archives: ટૂંકી વાર્તાઓ અને લેખો..

એક મારી ઘટના ને તમારા અભિપ્રાયો..!

 
૨૯ જુલાઈ ૨૦૧૦, ગુરુવાર
 
હું દર ગુરુવારની જેમ એ ગુરુવારે પણ સાઈબાબાના મંદિરે ગયો. ત્યાં મેં એક વિચિત્ર સંજોગ કહો કે ઘટના, પણ મેં એક વીસેક વરસના છોકરાને જોયો. વાત એમ બની કે હું દર્શન કરીને બહાર નીકળ્યો ત્યારે મારા પર્સમાં છૂટો એક જ રૂપિયો હતો ને ઘણા બધા ભીખારીઓ બહાર બેઠા હતા. એટલે પહેલા જ જે માજી બેઠા હતા મેં એમને રૂપિયાનો સિક્કો આપીને ફટાફટ ચાલવા માંડ્યું. પણ એક છોકરો મને બુમ પડતો રહ્યો, સાહેબ.. સાહેબ.. મેં ધ્યાન આપ્યું નહિ કેમ કે મારી પાસે એક પણ છૂટો રૂપિયો હતો નહિ ને મને ઓફીસ જવાનું પણ મોડું થતું હતું. એટલે હું સીધો બાઈક પર બેઠો ને જવા માંડ્યો પણ નીકળતા મેં એક નજર પાછળ નાખી ને જોયું કે કોણ બુમો પાડતું હતું..? મને તરત ખ્યાલ ન આવ્યો, પણ કોણ જાણે કેમ મને એવું થયું કે મેં એને જોયો છે..! ક્યાંક તો જોયો જ છે..!
 
અચાનક મને યાદ આવ્યું કે ઓફીસ જતા હું જે જગ્યા એ ચ્હા પીઉં છું એ જગ્યા એ નોકરી કરતો, કપ-રકાબી ધોતો. પણ માનસિક રીતે થોડો અસ્થિર હતો. કાયમ સંવારે હું કહું એ પહેલાતો મને જોઈ ને મારે માટે ચ્હા લઇ આવતો. સાંજે પણ સાહેબ સાહેબ કરીને બોલાવતો, અને આજે એ અહિયાં બેઠો હતો..? મને કઈ સમજ માં ન આવ્યું. મને મનમાં વિચાર આવ્યો કે કેમ આમ થયું હશે..? મારાથી ના રહેવાયું ને હું યુ ટર્ન લઈને પાછો ગયો.
 
એ ત્યાજ બેઠો હતો. મેં એને પૂછ્યું, ” કેમ અલા અહિયાં બેઠો છે..?” “કેમ છો સાહેબ..!” એ સિવાય એ કઈ બોલ્યો નહિ. એની બાજુ માં એક ઘરડા માજી બેઠા હતા, એમણે એ છોકરાને પૂછ્યું કે કોણ છે આ..? પેલા છોકરા એ છોકરમત રીતે કહ્યું, “બા એ તો મારા ફ્રેન્ડ છે.” એટલે મેં એને પૂછ્યું કે આ માજી કોણ છે..?” તો એને કહ્યું કે, ” મારા બા છે.”  હું વિચારમાં પડી ગયો. આ શું હતું..? કેમ કે થોડા દિવસ પહેલા તો એ ત્યાં ચ્હા ની કીટલી પર કામ કરતો હતો ને આજે અહિયાં..?  શું એ ખરેખર ભીખ માંગવા જ બેઠો હતો..? કે પછી મગજ અસ્થિર છે એટલે ખાલી ખાલી જ અહિયાં બેઠો હતો..? પણ એની સાથે એના બા કેમ બેઠા હતા..? એ પણ ભીખ માંગતા હતા.? હું વધારે ને વધારે મૂંઝવણ માં મુકાતો ગયો કે શું કરું..? પૈસાની મદદ કરાય કે ન કરાય..? બીજી કઈ રીતે મદદ કરી શકાય..? મને કઈ સુઝ્યું જ નહિ કે શું કરું..?
 
મને મોડું થઇ રહ્યું હતું ને મને સમજણ પણ નહોતી પડી રહું કે મારે શું કરવું એટલે હું નીકળ્યો કઈ પણ કર્યા કે આપ્યા વગર..! ખાલી મેં જતા જતા પેલા છોકરાને પૂછ્યું કે કેમ અહી બેઠો છે..? એ કઈ બોલ્યો નહિ. મેં એને મારી સાથે આવવા કહ્યું, કે ચાલ તને ચ્હાની કીટલીએ મૂકી જાઉં, પણ એને ના પાડી. ને હું નીકળી ગયો વિચારતો વિચારતો..! 
 
આખા રસ્તામાં મને એ જ વિચારો આવતા રહ્યા કે, મેં એને પૈસાની મદદ કેમ ન કરી..? મારે થોડા પૈસાતો આપવા જોઈતા હતા. પણ એક બાજુ મારું મન કહેતું હતું કે, એ રીતે કોઈને પૈસા થોડી અપાય..? એ નોકરી કરતો હતો, એ મહેનત કરીને પૈસા કમાતો હતો, તો કઈ રીતે ભીખ અપાય..? કદાચ અસ્થિર છે એટલે ત્યાં બેઠો હોઈ તો, ને હું ભીખ આપું એ યોગ્ય છે..? પણ કદાચ એને ખરેખર તો પૈસાની જરૂર તો નહી હોઈ ને..?
 
મને હજી સમજ નથી પડી રહી કે મારે શું કરવું જોઈતું હતું ને મેં શું ના કર્યું..?
 
તમને શું લાગે છે..? મારે શું કરવું જોઈએ..? કે મારે શું કરવું જોઈતું હતું..? કે પછી આ ઘટનાને હું જે રીતે જોઉં છું એ આટલી અગત્યની ઘટના છે જ નહિ..? આ નોર્મલ ઘટના જ છે..?
 
આ નાનકડી પણ સત્ય ઘટના મારા મન પર ઊંડી છાપ છોડી ગઈ છે. તમારા આ અંગેનાં અભિપ્રાયો મને આપવા નમ્ર વિનંતી. 
 
 
 
આભાર સહ, 
 
ઝેનીથ સુરતી, 
૦૪/૦૮/૨૦૧૦  


(અપશુકનીયાળ..!!) માં..

પ્રસ્તાવના
  
મારી છેલ્લી પોસ્ટ (કાવ્ય) ”બાપ (કે પાપ..!!)”  મેં એક બાપ અને દીકરા ઉપર લખી હતી ને આજે હું મા પર ટૂંકી વાર્તા લખી રહ્યો છું. આશા રાખું કે તમને પસંદ પડે.
આ વાર્તા પોતાની માને તરછોડી રહેલા દીકરાના વાર્તાલાપ ઉપર આધારીત છે. આજના જમાનામાં મા-બાપ ને વૃદ્ધાશ્રમ માં મૂકી આવવાના ઘણા કિસ્સા બની રહ્યા છે ને આ પણ એમાનો જ એક કિસ્સો છે. વિધાતા ના આ ખેલ જોઇને તમને અચરજ થશે કે આવું પણ બનતું હોય છે.
 
————————————————
 
 
 
શુશીલા.. શુકન ક્યા છે..? ઓફીસ જતો રહ્યો કે શું..? કેમ એ દેખાતો નથી..? છેલ્લા કેટલાક દિવસથી બરાબર વાત નથી કરતો, બોલતો નથી.. શું થયું..?
 
એ તો ઓફીસ ગયા, કામ છે કઈ તમારે..? એમને બહુ ટેન્સન રહે છે હમણાથી. ખોટો જીવ શું કામ ખાવ છે એમનો..?
 
હા બેટા, હું તો એમ જ પૂછતી હતી. એમ તો એ મને જોયા વગર ક્યારે ઓફિસે જતો નથી. પણ છેલ્લા કેટલાક દિવસોથી એમને મળ્યા વગર જ જતો રહે છે.
 
તો..? તમને મળીને જ જવું કઈ જરૂરી છે..?
 
હા બેટા મુજ અભાગી ને તે વળી શું જરૂર હોય..? હશે બેટા કઈ નહિ..
 
***
 
શુકન, જયાબા નો એક નો એક દીકરો. લગ્ન ને બે વરસ થયા. ત્રીસ વરસનું પડછંદ કદાવર શરીર, શિસ્તબદ્ધ આચરણ, ને સંસ્કાર ના અમીછાંટણાં એને વારસામાં મળ્યા હતા. શુશીલા એમની વહુ. વધુ ભણેલી હોવાથી “સમજદારી” તો એનામાં છલોછલ ભરેલી હતી..!! જયાબા, એક વિધવા સ્ત્રી. પતિના અપમૃત્યુ નો બનાવ હતો, વીમો ઉતરાવ્યો નહતો, નાના કારખાનામાં નોકરી હતી તેથી થોડાઘણા રૂપિયા મળ્યા હતા. ગુજરાન એટલા રૂપિયા માં ચાલે એમ નહતું ને બાર સાંધે ત્યાં તેર તૂટે એવી પરિસ્થિતિ હતી. પચ્ચીસ વરસ કપડાં સીવવાની ને બીજે ઘરે રાંધવા જવાની કાળી મજુરી કરી શુકન ને ઉછેર્યો ને પગભર કર્યો હતો. આજે જેમ ઝાડ પર વેલીઓ વીંટળાઈ હોય એમ જયાબાની ચામડી મોં પર લટકી રહી હતી. દરજીકામ કરીને આંખે ઓછી ઉમરમાં ઝાંખપ આવી ગઈ હતી, પણ શરીર હજી અડીખમ ઉભું હતું. સોનાની ચમક જેવું તેજ હજી એમની આંખોમાં પ્રકાશી રહ્યું હતું.
 
***
 
રાતનાં નવ વાગવા આવ્યા, હજી શુકન કેમ દેખાતો નથી..? શુશીલા.. શુકનનો ફોન આવ્યો..? ક્યારે આવાનો છે..? કેમ મોડું થયું આટલું બધું..?
 
કેમ શું કામ છે તમારે..? કમાય તો ખરાને..? તમારી જેમ ઘર-બેઠા ખાવાનું થોડું છે..? આવશે થોડી વારમાં..
 
હા બેટા, આ તો ચિંતા થઇ એટલે પૂછ્યું.
 
પે’લા જ ચિંતા કરી હોત તો આવા દિવસો ના જોવા પડત.
 
એટલે બેટા શું કેહવા માંગે છે..?
 
કઈ નહિ, ખોટી લપ શું કરવાની..!!
 
***
 

(ડોસી નો જીવ તાળવે ચોંટી ગયો હતો, શુકન સાથેનાં અણબનાવના વિચારો એને કોરી ખાતા હતા. અગ્યાર વાગ્યે શુકન આવ્યો ને સીધો બેડરૂમ માં ઘુસી ગયો. જયાબા એ વાત કરવા સાદ આપ્યો પણ થાકી ગયો છું એમ કહી શુકન વાત ટાળી દીધી. શુકને જમવાનું પણ બેડરૂમમાં જ મંગાવી લીધું.
 
ડોસી નાં ધબકારા બેસી ગયા હતા. આખી રાત આમથી તેમ આળોટ્યા કર્યું પણ કઈ વળ્યું નહિ. જેમ ચાતક ઉનાળો પૂરો થવા આરે વરસાદની રાહ જોઈ રહ્યો હોઈ એમ ડોસી સવાર પડવાની રાહ જોઈ રહી હતી.)
 
***
 
સવાર પડી ગઈ હતી, જયાબાનું ધ્યાન સવારથી શુકનની ગતિવિધિઓ પર હતું. શુકન નો ઓફીસ જવાનો સમય થયો.
 
બેટા શુકન, શું થયું..? કેમ કઈ બોલતો નથી..? મળતો નથી..? માંડી ને વાત કરે તો કઈ સમજ પડે ને ઉકેલ નીકળે વાતનો.
 
શું વાત કરું મા..! કઈ સમજ પડતી નથી મને.
 
કેમ બેટા શું થયું..?
 
ધંધામાં કંઈ કશ નથી રહ્યો. દિવસે ને દિવસે નુકશાન વધતું જ જાય છે. હા બેટા ભગવાન પર શ્રદ્ધા રાખ બધું સરખું થઇ જશે.
 
 
(બે મિનીટ વાતાવરણમાં શાંતિ છવાઈ ગઈ..)
 
મા..
 
હા બેટા બોલ ને..!!
 
મારી ઈચ્છા છે કે તું વૃદ્ધાશ્રમમાં રહે.
 
શું..? કેમ..?
 
 
(દુનિયાની બધી વસ્તુઓ સ્થુળ થઇ ગઈ.. સમય અટકી ગયો હોઈ ને સજીવ - નિર્જીવ બધી વસ્તુઓ સ્તબ્ધ થઇ ગઈ હોય એવું વાતાવરણ થઇ ગયું..) 

 
 
મા તું અપશુકનીયાળ છે.. હું રોજ તારો ચેહરો જોઈ ને જાઉં છું, ને મને અપશુકન નડે છે.. મારા ધંધામાં નુકશાન પર નુકશાન વધી રહ્યું છે.. મને લાખોની ખોટ થઇ રહી છે રોજ ને રોજ.. માં આ બધામાં તારો વાંક છે, માં તારો વાંક..!!
 
 
(જયાબાની આંખે અંધારા આવી ગયા, એ પોતાની જાત ને સંભાળી ન શકયા. પગે દગો દીધો, બાજુની ભીંત નો ટેકો લઇ એ ઉભા રહ્યા ને થોડા ભાનમા આવ્યા.)
 
 

માં લોકો કહે છે કે, કોઈ શુભ કામે નીકળતા હોઈએ ને રાંડેલી* સ્ત્રી નું મોં જોઇને જઈએ તો અપશુકન થાય માં.. તું રાંડેલી* છે. રોજ તને જોઇને જાઉં છું ને મને નુકશાન થાય છે માં.. હું તને વૃદ્ધાશ્રમમાં મૂકી આવું. ત્યાં તું સુખેથી રેહજે. તને કોઈ વાત નું દુ:ખ નહિ પડવા દઉં..
 
 
(ડોસીના પગ તળેથી જમીન ખસી ગઈ.. ડોસીની આંખોમાંથી પાણી પર્વત પરથી નીકળતા ઝરણાની જેમ વહી રહ્યું હતું, પણ મોં પર અચરજ પમાડે એવું સ્મિત હતું..)
 
 
મને સુખ કે દુ:ખ આપવા વાળો તું કોણ થાય બેટા.. તને તો હજી દુઃખની વ્યાખ્યા પણ ખબર નથી.. હું વિધવા રહી, એટલે કે તને સારી રીતે ઉછેરી શકું. તારા માટે હું વિધવા રહી અત્યાર સુધી..
 
 
(સર્વનાશ પહેલાની શાંતિ જેવું વાતાવરણ પ્રસરી રહ્યું.. મૌન..)
 
 
ને બેટા જો તું અપશુકન ની વાત કરતો હોય, તો સાંભળ..
 
તારો જન્મ થયો ને દસ જ દિવસ માં તારા બાપ ને મોત વળ્યું.. એ જ લોકો મને ત્યારે કહેતા હતા કે, જયા તારો છોકરો અપશુકનીયાળ છે.. અપશુકનીયાળ..!! જન્મતાની સાથે જ તારા પતિ ને ખાઈ ગયો..!!
 
બેટા ત્યારે હું કેહતી કે, સંભાળીને બોલજો મારા છોકરા વિશે, નહિ તો અપઘડી તમારો જીવ લઇ લઈશ.. મારો છોકરો તો મારા પતિનું નવું રૂપ છે.. મારા પતિ ક્યાય નથી ગયા, એતો અહિયાં જ છે, મારી સાથે, મારી પાસે, ખાલી નવા રૂપમાં આવ્યા છે..

 
મને ત્યારે કોઈ અપશુકન નહોતું નડ્યું બેટા એ વખતે.. ને લોકોના મોઢા બંધ કરવા જ મેં તારું નામ ”શુકન” પાડ્યું છે એની તને ખબર નહિ હોય બેટા..!!
 

ચાલ બેટા ચાલ ઝટ કર. મને વૃદ્ધાશ્રમ મા મૂકી આવ. હું કપડા લઇ આવું, મારો જીવ ઘૂંટાય છે અહિયાં..
 
 
(માત્ર દસ જ મિનીટ માં બધું વેરવિખેર થઇ ગયું હતું. જયાબા કપડા લેવા પોતાના રૂમમાં જતા રહ્યા હતા. શુશીલા ને શુકન પણ પોતાના બેડરૂમ માં જતા રહ્યા.)
(લગભગ અડધો કલાક થયો..)
 
 
શુશીલા ઓ શુશીલા.. એને કહે કે જલ્દી તૈયાર થાય મારો શ્વાસ રૂંધાય છે આ ઘ.. જંગલમાં.. ઝટ કરે..
 
માં બપોરે ચાર વાગ્યે મૂકી આવીશ તને..
 
ના મારે તો હમણાં જ જવું છે.. બપોરે ચાર વાગ્યા સુધી રોકાવાય એટલો સમય નથી મારી પાસે..
 
હમણાં સારું ચોઘડિયું નથી.. ચાર વાગ્યે મૂકી આવીશ ને તને..
 
ચોઘડિયું.. વાહ બેટા વાહ.. વૃદ્ધાશ્રમ જવામાં ચોઘડિયું..?
 
એક વાત કહું બેટા, મેં તને જ્યારે પેદા કર્યોતો ને ત્યારે ચોઘડિયું નહોતું જોયું..!!
 
મને મુકવા આવવાની કઈ જરૂર નથી બેટા.. ખાલી સરનામું આપી દે, હું જતી રહીશ..
 
 
***

 
* રાંડેલી સ્ત્રી; વિધવા; જેનો પતિ મરી ગયો હોય તેવી સ્ત્રી
 
 
 

પેલું કહેવાય છે ને કે, દુનિયાની બે કરૂણતા, એક મા વિનાનું ઘર ને બીજું ઘર વિનાની મા.. પુત્ર કુપુત્ર થાય પણ માવતર ક્યારેય કમાવતર નથી થતું.. મા એ મા છે મિત્રો.. ક્યારેય એને દુખ ન પહોંચાડતા..

 
 
ઝેનિથ સુરતી
૨૧ મેં ૨૦૧૦
 

બેકલતા પછીની એકલતા.. વૃદ્ધાવસ્થાનું કડવું સત્ય..

વૃદ્ધાવસ્થાનું કડવું સત્ય..



 પ્રસ્તાવના


       થોડા દિવસો પહેલા મેં શ્રી ચંદ્રકાન્ત બક્ષીએ લખેલા મૃત્યુ વિશેના અમુક લેખો વાંચ્યા. ખુબ જ હૃદય સ્પર્શી અને તીક્ષ્ણ, સીધા દિલ અને દિમાગ પર વાર કરે એવા હતા. આ લેખો એમને એમના પત્નીના અવશાન પછી લખેલા છે. નાનામાં નાની વાતો એમને બહુજ સહજતાથી કહી છે, વૃદ્ધાવસ્થાની એકલતાની, સંબંધોની, હૂંફની, લાગણીની વાત કરી છે. હું અહીં એમના જ વિચારો ને મારી ભાષામાં ઉતારવાની તજવીજ કરી રહ્યો છું. 

ઝેનિથ સુરતી

૨૨ માર્ચ ૨૦૧૦

 ***


       કલતા વિશે તો બધા મોટેભાગે લગભગ જાણતા જ હશે. શ્રી ચંદ્રકાંત બક્ષી એ બહુ સરસ વાત કહી છે કે એકલતા માટે અંગ્રેજીમાં બે શબ્દો છે, “લોન્લીનેસ” અને “અલોનનેસ”. અને આ બંને શબ્દો વચ્ચે બહુ મોટો ફરક છે. લોન્લીનેસમાં દુનિયા માણસ ને અલગ પાડી દે છે, ને અલોનનેસમાં માણસ પોતે દુનિયાથી અલગ થઇ જાય છે. લોન્લીનેસ માં માણસ ને કોઈકની જરૂર સતત વર્તાયા કરતી હોઈ છે. કોઈક એની પાસે હોઈ, કોઈક આવીને એને સહારો આપે એવું અભિવ્યક્ત થયા કરતુ હોઈ છે. જયારે અલોનનેસમાં માણસ ને દુનિયાની કે બીજી કોઈ વસ્તુની કઈ પડી હોતી નથી. અલોનનેસમાં પણ માણસ મર્દ હોઈ છે. આ તો વાત થઇ એકલતાની પણ આ બેકલતા એ વળી શું..?

       શ્રી ચંદ્રકાંત બક્ષી એ આપેલો આ શબ્દ છે બેકલતા. બેકલતા એટલે બે માણસોની એકલતા. નવાઈ લાગી નઈ, વળી આ બેકલતા શું છે? બે માણસ તો છે, પછી એકલતા શાની? બે જણા સાથે મળી હરી-ફરી શકે, મોજ મસ્તી કરી શકે, વાતો કરી શકે, તો વળી એકલતા ને બેકલતા શું?

 ***

       તરુણ અને સુભદ્રા, તન-મન અને ધન થી સુખી સંપન્ન આડેધ વયનું જોડું. ૪૭ વરસનો આહલાદક લગ્નગાળો. એકની એક પુત્રીના વિવાહ વિદેશ થઇ ગયા હતા ને પુત્ર બેંગ્લોરમાં ઉચ્ચ હોદ્દા એ નોકરી કરતો હતો, ને અમદાવાદમાં આ બે જણા એકલા. સમજાઈ હવે બેકલતા..!! મહિને એકાદવાર પુત્ર અને પુત્રી જોડે વાત થઇ જાય, બાકીના દિવસ એજ શાંતિ નો એકદમ શાંત કાળો રંગ. એમ પણ અંધકારને ક્યા જુદા જુદા રંગ જ હોઈ છે. પુત્રી વિદેશ છે ને પુત્ર ને સમય નથી માં-બાપ જોડે રોજ ને રોજ વાતો કરવાનો. પુત્ર ને પણ પરિવાર છે, મોંઘવારી કુદકે ને ભૂસકે  વધી રહી છે, સમય બદલાઈ રહ્યો છે, જીવનશૈલી બદલાઈ રહી છે. તરુણ ને સુભદ્રા સવારે ઉઠે ચા-નાસ્તો કરે. બપોર તો કેમે કરતા નીકળી જાય પણ સાંજનું શું..? કારમી સાંજ કેમ કરી કાઢવી..? વાત કરી કરી ને પણ કેટલી કરવી ને કોની કરવી..? ઘડિયાળના કાંટા ફરે છે, સુરજ ઉગે છે ને આથમે છે, બસ ખાલી સમય જાય છે. આજે ૧૭ વર્ષ થયા એમને એકલા રહીને. ૧૭ વર્ષ, ખબર છે ૧૭ વર્ષ માં શું શું થાય..!! ત્યારે તરુણ નું હૃદય કહેતુ, કઈ નઈ ભાઈ સુરજ ઉગી ને આથમી જાય ને આમ ૧૭ વર્ષ પુરા થઈ જાય. કદાચ તમે હવે બેકલતા નો અર્થ સમજી ગયા હશો. મોટેભાગે આધેડ વયના દંપત્તિ માટે આ શબ્દ નવો નહિ હોઈ. બેકલતા એ જીવનકાલ દરમ્યાન આવતો જીંદગી નો જ એક ભાગ ગણી શકાય. અને એ પણ લોન્લીનેસ વાળો..!!

       હવે જુના પુસ્તક સમી આ જીંદગીના લખાયેલા પાનાની કિનારીઓ વળી ગઈ છે, ને પાના પણ પીળા પડી ગયા છે. હવે લખાયેલા પાના પાછા ફેરવવામાં માલ પણ નથી, ક્યાંક જોર થી હાથ લાગી જાય તો પાનું ફાટી જાય, ખરું ને..!! તરુણ ને સુભદ્રાની આ બેકલતા એમને કોરી ખાતી હતી. સમય કેમે કરીને પસાર થતો નહતો ને આંખો વધારે ને વધારે ઘરડી ને ઊંડી થઇ રહી હતી. સુભદ્રા સાંજે થોડી વાર પડોશીઓ સાથે બેસતી ને તરુણ બાગમાં આંટો મારી આવતો. રૂમમાં ટ્યુબલાઈટનો પ્રકાશ બલ્બની જેમ પીળો ને આછો થઇ રહ્યો હતો. અચાનક સુભદ્રાની તબિયત એક દિવસ બગડી, હાર્ટ-એટેક આવ્યો. તરુણ તરત સુભદ્રા ને હોસ્પિટલ લઈ ગયો. સુભદ્રાનો શ્વાસ અટકી અટકી ને જઈ રહ્યો હતો. ડોક્ટર પોતાનો મહત્તમ પ્રયાસ કરી રહ્યો હતો. તરુણ ના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. આભ ફાટી ગયું હતું. ત્રણ કલાક થયા પણ સુભદ્રાની તબિયતમાં કઈ સુધાર નહતો. તરુણની  આંખો રડી રડી ને લાલ થઇ ગઈ હતી. પુત્રી ને સમાચાર આપ્યા નહતા, ને પુત્ર ની ફ્લાઈટ ને બેંગલોર થી ઉપડવાને હજી બે કલાકની વાર હતી. ચાતક જેમ વરસાદની રાહ જોઈ રહ્યો હોઈ એમ તરુણ ડોક્ટર ના આઈ.સી.યુ માંથી બહાર આવાની રાહ જોઈ રહ્યો હતો. એટલામાં જ સુભદ્રા ને બીજો એટેક આવ્યો, ડોક્ટરોની ભાગદોડ મચી ગઈ, તરુણ આઈ.સી.યુ ના દરવાજાના નાનકડા કાચ માંથી બધું જોઈ રહ્યો, જાણે ભગવાનનાં દરબારમાં જીવન અને મૃત્યુનું કોઈ નાટક ના ચાલતું હોઈ..? ને એટલામાં તો ધબકારાની તીવ્રતા ઘટવા માંડી, ગ્રાફ ની રેખાઓ ક્ષિતિજની જેમ સીધી થવા લાગી. ડોકટરો એ શોક ટ્રીટમેન્ટ ચાલુ કરી. એક.. બે.. ત્રણ.. ઝટકા.. ને સુભદ્રાનું માથું જમણી બાજુ ઢળી પડ્યું. તરુણ બેભાન થઇ ભોંય ભેગો થયો. જાણે યુદ્ધમાં હારેલા રાજાને આજીવન કારાવાસની સજા. તરુણે આંખો ખોલી ત્યારે હોસ્પિટલ માં એક પલંગ પર હતો, એની સામે એનો પુત્ર ઉભો હતો. તરુણ થી ના રેહવાયું ને એને રડી દીધું. પુત્રી ને ખબર આપ્યા, પુત્રી પણ આવી ને તરુણે અંતિમક્રિયાની વિધિ પતાવી. પુત્ર ના આગ્રહ ને લીધે તરુણ એની સાથે બેંગ્લોર રેહવા જતો રહ્યો.

       મૃત્યુ.. અજીબ વસ્તુ છે નઈ. એક અગોચર વિશ્વ. શું રંગ હોઈ શકે એનો..? કાળો કે જે અંધકાર નો રંગ છે..? માણસ બધું છોડી ને ચાલ્યો જાય છે, કશાની પરવા કાર્ય વિના ને એકલો મુકતો જાય છે એના પ્રિયજનને. બાળક માંના પેટમાં હોઈ ત્યારથી જ તો એના મૃત્યુ નો સમય નક્કી હોય છે તો પછી આટલી બધી હૈયાહોળી શાની..? શું કામ દુ:ખ થાય છે લોકોને સ્વજનના જતા રેહવા પર..? માણસ બધું જ છોડી ને જાય છે, દુનિયા, સ્વજનો, લાગણી-હૂફ, સંબંધો બધું જ, છતાં એવું કેમ કહેવાય છે કે, “અવસાન પામ્યા”, “મૃત્યુ પામ્યા”, “સદગતિ પામ્યા”. જો મૃત્યુ એ પામવાની વસ્તુ હોઈ તો પછી આટલું દુ:ખ શાનું..? મારા મતે તો “સ્વર્ગે સિધાવ્યા” એ શબ્દ સાર્થક લાગે છે.

       તરુણ જતા તો જતો રહ્યો પણ સુભદ્રાની યાદ એને કોરી ખાતી હતી. જાણે કોઈ ભયંકર જીવલેણ રોગ એના શરીર ને ક્ષીણ કરી રહ્યું હોઈ. દિવસે ને દિવસે એની બેચેની ને એકલતા વધતી જતી હતી. હવે એ બેકલતા માંથી એકલતામાં આવી ગયો હતો. આવા સમયે એના પુત્રને કંપનીમાંથી વિદેશ જવાની તક મળી ને પુત્ર એ તક ખોવા નોહતો માંગતો. ને વળી કંપની પતિ-પત્ની બંનેને વિદેશ મોકલવા તૈયાર હતી. તરુણે સામેથી પુત્ર ને પોતે અમદાવાદ જ રેહશે એમ જીદ કરી ને અમદાવાદ પાછો આવી ગયો. પુત્ર-વહુ વિદેશ જતા રહ્યા.

       એજ અમદાવાદ, એજ ઘર, એજ યાદો, તરુણની આંખો ભીની થઇ આવી. પોતાનાથી થાય એટલું ઘર સાફ કરીને તરુણ સ્વસ્થ થયો. સાંજે બાગમાં આંટો મારવા ગયો ને પોતાના જુના થોડા મિત્રોને મળ્યો. એનું મન થોડું હળવું થયું. પણ પાછી એજ કારમી સાંજ, એજ ઘડિયાળનાં કાંટા ને હવે તો બેકલતાને બદલે ખાલી એકલતા. શું કરવું ને શું ન કરવું..? તરુણ પલંગ પર આડો પડ્યો હતો, બલ્બ નો આછો પ્રકાશ હતો, એ સુભદ્રાની યાદો માં ખોવાયેલો હતો ને અચાનક એની નજર બલ્બ ઉપર બાઝેલા જાળા પર પડી, ”સુભદ્રા, આ બલ્બ પર જાળા બાઝી ગયા છે, જરા સાફ તો કર કોઈ આવશે ને જોશે તો..?” પણ કોઈ સંભાળવા ત્યાં હતું નહિ, તરુણને સુભદ્રાની ખોટ સાલી રહી હતી. એનાથી રડી દેવાયું. સુભદ્રા નો એજ જુનો ફોટો ને રોજ નવો સુખડનો હાર. ફોટામાં એકધારું સુભદ્રાનું હાસ્ય ને અપલક આંખો. તરુણ કલાકો સુધી ફોટાને જોયા કરતો. ક્યારેક તો તરુણ બહાર આંટો મારીને આવે, ને ઘરના દરવાજે સુભદ્રા બુમ પાડી બેલ મારી ઉભો રહી જતો, ને પછી પરિસ્થિતિનો ખ્યાલ આવતા રડી દેતો.

       જેમ કોઈ પતંગિયું આગની જ્યોત ને પામવા મથી રહ્યું હોય એમ તરુણ એકલતાના અંધકારથી છૂટવા, ને મૃત્યુની જ્યોત પામવા મથી રહ્યો હતો. તરુણ લાચાર-રાંક થઇ ગયો હતો. એજ ડબલ બેડ હતા, બે ઓશીકા, બે ચાદરો, પણ હવે એક બેડ ખાલી છે, માથું એક છે, સ્વપ્ન પણ એક છે..!! એક સમયે એકજ બેડ પર બંને જણા આરામથી સુઈ રહેતા ને આજે આખો એક બેડ ખાલી છે, સુવા કોઈ નથી. કેટલી પામર જીંદગી છે એ તરુણને સમજાય રહ્યું હતું. ડ્રેસિંગ ટેબલના કાચ પર લાગેલા ચાંલ્લાને જોઇને એ હરખાઈ જતો. હજી સુભદ્રાના ચાંલ્લાની જગ્યા ત્યાં જ હતી, રોજ એ ચાંલ્લાને જોતો ને ખોવાઈ જતો. છે ને વિચિત્રતા, પહેલા એ સુભદ્રાને એજ ચાંલ્લા માટે વઢતો હતો ને આજે એજ ચાંલ્લા એનું જીવન બની ગયું છે.

       બધું એમનુએમજ હતું, ન હતી તો ફક્ત સુભદ્રા, એના મીઠા-મીઠા ઝગડા, એની મીઠી-મીઠી વાતો, ક્યારેક ગુસ્સે થઇ જવાની કળા તો ક્યારેક રિસાઈ જવાની અદા, એ સાથે મંદિરે જવું, રોજ રોજ ચીડવવું, ઓફિસેથી મોડા આવી એને મનાવવી, જન્મદિવસે અને લગ્નદિવસે છાની ભેટ આપવી, એ સવારની ચ્હા ને નાસ્તો, ઓફિસે જતા મળતો પ્રેમ, કઈ ન હતું.. ફક્ત એકલતા.. એકલતા ને એકલતામાં એનું શરીર સુકાઈ રહ્યું હતું. લજામણી નો છોડ જેમ અડતા જ બીડાઈ જાય એમ એનું જીવન બીડાઈ ગયું હતું. ખાલીપો એને ખાવા દોડતો હતો. રોજ ની જેમ એક સાંજે એ બલ્બના આછા પ્રકાશને જોતો જોતો સુભદ્રાના વિચારોમાં પલંગ પર પડ્યો, ને એનો જીવન પ્રકાશ બુઝાઈ ગયો. તરુણ હવે આ દુનિયાનો મહેમાન રહ્યો નહતો. એ પેલા મૃત્યુ નામના અગોચર વિશ્વનો સભ્ય હતો. સુભદ્રાની યાદ એને લઇ ગઈ, સદાને માટે, આ દુનિયાથી દુર, બહુ દુર..

ઝેનિથ સુરતી

૨૨ માર્ચ ૨૦૧૦ 

કણી એક સોનાની ને એક લોઢાની..

નાનકડા એક ગામની આ વાત છે. એક સોની ને એક લુહાર સામસામે રેહતા હતા. ને એમની દુકાન પણ એકબીજાની સામસામે જ હતી. રોજ સવારે લુહાર લોઢાને ટીપતો. એક દિવસની આ વાત છે. એક સવારે જયારે લુહાર લોઢાને ટીપતો હતો ત્યારે એક કણી સોનીની દુકાનમાં જઈને પડી. નસીબ જોગે લોઢાની કણી જ્યાં પડી હતી એની બરાબર બાજુમાં સોનાની કણી પડી. સોનાની કણી જોઇને લોઢાની કણીથી ના રેહાવાયું, ને એની આંખો ભીની થઇ આવી. સોનાની કણીથી લોઢાની કણીને પુછાય ગયું કે, બહેન કેમ છે..? શું કામ રડે છે..? લોઢાની કણી એ રડતા રડતા જવાબ આપ્યો, બહેન હું થાકી ગઈ છું. મને રોજ લુહાર ટીપે છે, કેટલું દુખ આપે છે. નથી રહેવાતું હવે બહેન. આ ભગવાન મને હવે લઇ લે તો બસ છે. સોનાની કણી બોલી, બહેન આમ તે કઈ દુઃખમાં રડાતું હશે..? દુઃખતો બધાને આવે બહેન. અને તને શું લાગે છે..!! આ સોની મને નઈ ટીપતો હોઈ. મને પણ ઘાટ આપવા સોની ટીપે જ છે. મને પણ દુઃખ પડે છે.

સોનાની કણી એ વાત વધારતા આગળ કહ્યું, બહેન, દુધમાં જો છાસનું ટીપું પડે તો એ દુખ વેઠીને દહીં બને છે. જો દહીને વલોવીએ તો એ માખણ બને છે. ને એમાં પણ દહીને દુખ વેઠવું પડે છે. માખણ ને ગરમ કરીએ તો ઘી બને છે. માખણ ને પણ કેટલું દુખ વેઠવું પડે છે. દુખ તો બધાને છે બહેન પણ તે એક વસ્તુ પર ધ્યાન આપ્યું..? કે દરેક વખતે વસ્તુનું મૂલ્ય વધતું જ જાય છે. દૂધ કરતા દહીં નું મૂલ્ય વધારે છે. દહીં કરતા માખણ નું ને માખણ કરતા ઘી નું મૂલ્ય વધારે છે. એટલે બહેન દુખ તો બધાને છે. એમાં રડવું નહિ.

ને ત્યારે લોઢાની કણી એ જવાબ આપ્યો, “તમારી વાત સાચી છે. સોની તને ટીપે છે ને ઘાટ આપે છે. પણ જે હથોડીથી ટીપે છે એ શાની છે..? સોનાની કણીએ કહ્યું, લોઢાની. લોઢાની કણીએ પૂછ્યું, કે તું જેના ઉપર ટીપાય છે એ શાનું બનેલું છે..? સોનાની કણી એ કહ્યું, લોઢાનું. ખરી વાત બહેન પણ મારે તો હથોડી પણ લોઢાની ને જેના ઉપર ટીપાંઉ એ પણ લોઢાનું. ને હું પોતે પણ લોઢાની. બહેન મારું દુઃખ તો બહુ વધારે છે, કેમ કે મને તો મારા જ દુ:ખ આપે છે..!!

ઝેનિથ સુરતી (સંકલન)

૧૦ માર્ચ, ૨૦૧૦

એક કલાક ને પંદર મીનીટ..

(જીવનની ચાર અવસ્થાઓ વિષે લગભગ બધા જ જાણે છે. બાલ્યાવસ્થા, યુવાવસ્થા, પુખ્તાવસ્થા અને વૃધાવસ્થા. માણસ ના જીવનમાં આ ચાર અવસ્થાઓ ઘણીજ વિચિત્ર રીતે વણાયેલી હોય છે. અને દરેક અવસ્થાઓમાં માનવી અલગ અલગ રીતે વર્તે છે. દરેક અવસ્થાની મજા પણ નિરાળી હોય છે.)
  
(મૂળવતન ભરૂચથી અમદાવાદ ટ્રેનમાં મુસાફરી કરતી વખતે એક સાંજે મારું ધ્યાન આવી જ અમુક વાતો પર ગયું. કોણ જાણે કેમ પણ આ અલગ અલગ અવસ્થાઓ ઉપર વિચાર આવવા માંડ્યા અને પછી મેં મારી જાતને જ એ ચારે અવસ્થાઓ માં ચીતરી જોઈ. માનવ કેટલો બધો બદલાય છે એના જીવન દરમ્યાન એનુ મને ભાન થયું અને એ પણ ફક્ત એક કલાક ને પંદર મીનીટ માં એટલે ભરૂચ થી વડોદરા આવતા સુધી..)
  
  
  
૧૩ સપ્ટેમ્બર ૨૦૦૯,
  
    લગભગ સાંજે ૬:૧૦ એ હું સ્ટેશને પોહચ્યો. પપ્પા એ આપેલા છુટ્ટા ૫ રૂપિયાની બદોલતે રીક્ષા જોડે મગજમારી કર્યા વગર સીધો સ્ટેશને જઈ ટીકીટ લઇ પ્લેટફોર્મ પર પોહચ્યો. ટ્રેન  આવવાને હજી ૧૫ મીનીટ ની વાર હતી. હું આવતા જતા લોકો ને નિહાળી રહ્યો હતો. એટલામાં અનાઉન્સમેન્ટ થયું કે ટ્રેન ૨૦ મીનીટ મોડી છે. આશરે ૬:૫૫ એ ટ્રેન આવી ને હું નિયમ મુજબ D૫ રીઝર્વેશન ડબ્બા માં બેઠો. D૫ એ ટ્રેન નો આવો ડબ્બો છે જેમાં મોટેભાગે વડોદરા સુધીના રીઝર્વેશન ના મુસાફરો જ બેઠા હોય. બેસવાની જગ્યા હતી નહી એટલે દરવાજેથી ત્રીજા નંબરની સીટ ને ટેકો દઈ ઉભો. આજ ડબ્બા માં એક પરણિત બહેન પોતાના ૪ વરસ ના બાળક સાથે દરવાજા થી ચોથા નંબર ની સીટ પર બેઠા હતા.  મારા માનવા મુજબ એ બહેન કદાચ મુંબઈથી બેઠા હોવા જોઈએ અને વડોદરા ઉતરવાના હતા એ એમની વાતો પરથી જણાતું. ઘણા બધા ફેરિયાઓ અને ભીખારીઓ અવાર નવાર ટ્રેન માં આવતા રહેતા. અમુક વાર ટ્રેન માં ૪ – ૫ વરસ ના બાળકો હાથમાં બે લાકડાના નાના ટુકડા લઈને “ટક ટક ટક ટક..” અવાજ કરી સાથે કોઈ ગીત ગાઈને પેટ્યું રળવા પણ આવતા. આવો જ એક ૫ વરસ નો છોકરો પોતાની ઉમર વિરુદ્ધ ગાઈ ગાઈ ને બેસી ગયેલા અવાજમાં જાણે કોઈ મોટા માણસ નો અવાજ હોય એમ ક્યારેક,” શીરડીવાલે સાઈબાબા..” કે ” દેખ તમાશા લકડી કા..” જેવા ગીતો ગાઈ બે પૈસા રળી રહ્યો હતો. હું ઉભો હતો ત્યાંજ આવીને અને ગાવાનું શરૂ કર્યું,
 
દેખ તમાશા લકડી કા..
જીતે લકડી મરતે લકડી, દેખ તમાશા લકડી કા..
જગ મેં તેરા જનમ હુઆ, ખાટ બિચારી  લકડી કી,
બચપણ મેં.. ઝૂલા ઝૂલાયા લકડી કા..



જબ સે તું બુઢ્ઢા હુઆ, ટેકા લિયા તુને લકડી કા,
જબ સ્મશાન મેં તુજે જલાયા, ચિતા બની લકડી કી..
દેખ તમાશા લાકડી કા..
 
D૫ માં બેઠેલા પેલા બહેને પોતાના ૪ વરસના બાળક ને હસાવવા પેલા ભીખ માંગતા બાળક ને કોઈ નવા ફિલ્મ નું ગીત ગાઈ નાચવા કહ્યું ને પેલો બે પૈસા વધારે મળે એની લાલચે નાચી ઉઠ્યો ને ગાવા માંડ્યો..
 
આશિક બનાયા, આશિક બનાયા..
આશિક બનાયા આપને..
તેરે બિન સુની સુની હૈ રાહે, તેરે બિન પ્યાસી પ્યાસી નિગાહે..



આશિક બનાયા.. આશિક બનાયા..
 
એ બહેને ૧ રૂપિયો આપી ને એ બાળક ના મુખ પર નીરસ હાસ્ય ફેરવ્યું ને એ બાળક ચાલી નીકળ્યો આગળ ના ડબ્બે. આ હતી “બાલ્યાવસ્થા”, એક પેલા માંના ખોળામાં સુતેલા ૪ વરસના બાળકની ને બીજા પેલા બે પૈસાની લાલચે ભીખ માગીને નાચતા ૫ વરસના ભિખારીની (બાળકની)..!!
યુવાવસ્થા, જુવાનીનું જોમ, ગરમ લોહી, કઈ કરવાનો ઉત્સાહ, નવી જ ફુટેલી પાંખો, ઉડવાની તમન્ના, મોકળું આકાશ ને અધીરો જીવ, સ્વતંત્રતા.. આ દરેક વસ્તુઓ ની હારમાળા એટલે યુવાની. તાજેતર માં જ બાર સાયન્સ પાસ કરીને વિદ્યાનગરમાં ઇજનેરી શાખામાં એડમીશન લઈને ભણવા જતા ૪ યુવાનો પોતાના ઘર સુરતથી (બોલી પરથી મને લાગ્યું) વિદ્યાનગર જઈ રહ્યા હતા. કોલેજની ખટમીઠી વાતો, મસ્તી, નાઈટ-લાઇફની વાતો એમની અવસ્થાનો પુરાવો પૂરતા હતા. બધા યુવાનો લગભગ માધ્યમ વર્ગની ઉપરના કુટુંબમાંથી આવતા હોય એમ મને જણાયું. એટલામાં પાછળથી અવાજ આવ્યો “પાણી ના પાઉચ, પાણી ના પાઉચ..”. ૧૮ વરસ નો યુવાન, હજી તો એની મૂછ ના ફણગા જ ફુટ્યા હતા ને પાણી ના પાઉચ લઈને ટ્રેન ના ડબ્બાઓમાં ઠોલા ખાતો પોતાનું પેટીયું રળવા. આ ૪ યુવાનો એ લગભગ ૬ પાણીના પાઉચ લીધા. પાઉચ લેતી વખતે એક યુવાને ૫૦ની નોટ કાઢી. બીજા યુવાને બે પાઉચ બીજા લીધા આમ સરવાળે ૮ પાઉચ થયા. પાણી વેચનાર યુવક પૈસાની રાહ જોઈ રહ્યો હતો, અને છેવટે પાઉચના પૈસા માંગ્યા. ૪ યુવાનો એ દલીલ કરી કે ૫૦ની નોટ આપી. તો ૪૨ રૂપિયા લેવાના થાય છે ને તું પૈસા માંગે છે?? પેલા યુવકે નમ્રતાથી કહ્યું કે મને તમે પૈસા આપ્યા જ નથી. ને વાતમાંને વાતમાં પાણીવાળા ને ચોર કહી બે લાફા ઝીંકી દીધા.. હોઠમાંથી નીતરતા લોહી સાથે એ ચાલ્યો ગયો. અડધા કલાકે ચાણાની દાળવાળાને પૈસા આપવા એ યુવાન નો હાથ શર્ટના ઉપલા ખિસ્સામાં ગયો ને ભૂલથી પાછી મુકાઈ ગયેલી ૫૦  ની નોટ કે જે પાણીવાળાને આપી હતી આવો ભ્રમ હતો એ નીકળી. આ હતી “યુવાવસ્થા”, એક પાણી વેચી હકના બે પૈસા કમાનાર યુવાનની ને એક યુવાનીના આકાશમાં રાચતા ઉછાછળા યુવાનની..
 
મને બેસવાની જગ્યા હજી સુધી મળી નોહતી, કેમ કે રીઝર્વેશન કરાવવાની મારી આદત ન   હતી ને D૫ વડોદરા સ્ટેશને આખો ખાલી થઇ જતો એટલે મારે લગભગ સવા કલાક જેવું ઉભું રેહવું પડતું. મીયાગામ કરજણ હજી હમણા જ ગયું હતું એટલે ટ્રૈન માં નવા ચડેલા મુસાફરોની ચહલ પહલ વધી હતી. હું જ્યાં ઉભો હતો એની બરાબર પાછળ ના ભાગે બે આધેડ વયના આશરે ૫૦-૫૫ વરસ ની ઉમરના પુરુષો બેઠા હતા. એક મુંબઈના જણાતા હતા ને બીજા વાપીના હતા. બંને પુરુષો વડોદરા સ્ટેશને ઉતરવાના હતા. અચાનક મારું ધ્યાન એમની વાતો પર ગયું. મુંબઈ ના પુરુષે વાત ચાલુ કરી, ને પછી એમની વચ્ચે નોકરી ધંધાની વાતો થઇ એ મેં સાંભળી. મુંબઈવાળા ભાઈ મોટા વેપારી હોય એમ લાગ્યું, એમનો કપડાનો વેપાર હતો. જથ્થા બંધ ભાવે એ કપડા આખા ભારત માં ને બહારના દેશો માં પણ નિકાસ કરતા. વાપીવાળા ભાઈ સામાન્ય કારખાના માં નોકરી કરતા હોય એમ એમની વાતો પરથી લાગ્યું ,  પણ એમના મુખ પર ગજબનું તેજ હતું. એમના અંતરાત્માની પ્રસન્નતા એમના મુખ પર સ્પષ્ટપણે દેખાઈ રહી હતી, જ્યારે વેપારીભાઈ ઉદાસ જણાતા હતા. વેપારીભાઈ એ બીજા ભાઈ ને પૂછ્યું, “નોકરીના અર્થે વાપી જવાનું થયું?” બીજા ભાઈ એ જવાબ આપ્યો, “ના ભાઈ, એ તો મારી છોકરીના સાસરે ગયો’તો. લગ્ન પછી પહેલી વાર પિયર આવી હતી તો સાસરે મૂકી આવ્યો.” આ સાંભળી વેપારીભાઈ નું મોઢું જરા વધારે ઉદાસ થયું પણ સંસ્કાર ને સભ્યતા ને હિસાબે કુત્રિમ હાસ્ય આપી છોકરીને સદા સૌભાગ્યવતી રહે એવા આશીર્વાદ આપ્યા. પણ તેલ કારખાનામાં મજુરી કરીને સફેદ થયેલા વાળવાળા માનવીથી તે કઈ છૂપું રહે..!! તરત બીજાભાઈ એ વેપારીભાઈ નો આભાર માની પૂછ્યું, “તમે તો વેપારના અર્થે જ બહાર ગયા હશોને..??” વેપારીભાઈ એ જવાબ આપ્યો, “ભાઈ પૈસાની મને કઈ ખોટ નથી. મારી ૧૦ પેઢીઓ વગર કમાયે ઘરબેઠા ખાય તોપણ પૂરું પડે એમ છે. પણ ભાઈ ખાવા ફક્ત આવતી પેઢી હોઈ તો પણ બસ છે.” નીસાસો નાખી ને એમણે પાછું ઉમેર્યું, ” મારે કોઈ છોકરો નથી ને ન હોવાનો મને રંજ પણ નથી.  મારે એક છોકરી છે, કદાચ તમારી છોકરી જેટલીજ પણ માનસિક રીતે અસ્વસ્થ છે. દાક્તરો ના કેહવા પ્રમાણે એ ૨૩ વરસ ની હોવા છતાં ૧૨ વરસ ની હોય એમ વર્તે છે. મારા પછી કોઈ નથી એની સંભાળ રાખવાને લગ્ન કરવાની તો વાત જ નિરર્થક છે. કોને ભરોસે છોડી જઈશ એને, મને નથી સમજાતું. એની ચિંતા મને ખાવા દોડે છે ભાઈ. તમારી છોકરી ની વાત સાંભળીને મને બહુ આનદ થયો પણ એટલું જ દુખ કદાચ મારી જાત પર પણ થયું. સઘળું હોવા છતાં કઈ નથી મારીપાસે ભાઈ.” બીજા ભાઈ ની આંખમાંથી ટપ ટપ આંસુ સરી પડ્યા, ને રડતા અવાજે વેપારી ભાઈ ને દિલાસો આપ્યો. આ હતી પુખ્તાવસ્થા ની મુંઝાવણોમાં ખોવાયેલા બે પુરુષોની મનોવ્યથા. કોઈકની પાસે ના હોવા છતાં પણ ઘણું છે ને કોઈકની પાસે બધું હોવા છતાં કઈ નથી..
 
મારી આંખો પણ એમની વાતો સાંભળી થોડી ભીની થઇ ઉઠી. હું મન અને તન થી જરા સ્વસ્થ થઉ એ પેહલા તો ડબ્બા માં ચહલ પહલ વધી. વડોદરા આવાને ૧૫ મિનીટની વાર હતી. મુંબઈથી બેઠેલા ને વડોદરા આવવાની રાહ જોતા મુસાફરો ને હવે સંતોષ ન હતો. બધા પોતપોતાની પેટીઓ ને થેલા લઇ ને ઉતારવાની તૈયારી કરી રહ્યા હતા. સીટ પરથી ઉભા થયેલા લોકો ને લીધે થોડી ભીડ વધી હતી, ને હું જગ્યા રોકવાની લહાયમાં આમ તેમ ફાફા મારતો હતો. એટલામાં જ પાછળ થી ધડામ દઈ ને કઈ પાડવાનો અવાજ આવ્યો, ને મારી નજર એ બાજુ ફરી. એક ૮૦ વરસના વૃદ્ધ ઉતરવાની ઉતાવળ કરવામાં સીટ ની ઠોકર ખાઈને નીચે પડ્યા. જાતે ઉભા થવાની તાકાત તો ન હતી એમના માં એટલે ઉભા થઇ શક્યા નહિ. એટલામાં આગળ થી અવાજ આવ્યો, “જોઇને ચાલતા શું થાય છે. દેખાતું નથી? મને મોટા ખર્ચમાં ઉતારીને તમને મજા આવે છેનહી?”. એ એમનો એકમાત્ર પુત્ર, ભવ્યતાની જાહોજલાલી માં રાચતા ને પોતાને ઉચ્ચ વર્ગ નો ગણતા અભિમાની પુરુષોમાનો એક. પોતાના બાપની વ્યથા કરતા એને પૈસા ખર્ચાઈ જવાની ચિંતા વધુ હતી. લાગણીનું પ્રતિક કહેવાતી છોકરીઓ ને ખોટું કહેવડાવે એવી એની પત્ની મુક બની આ ચિત્ર જોઈ રહી. પોતાના બે નાના “દાદા.. દાદા..” બુમો પાડી રહેલા બાળકો અટવાઈ ના જાય એની બીકે પકડી રહી હતી ને સ્ટેશન આવવાની રાહ જોઈ રહી હતી. ઉભા થવા વાળાની ભીડ વધતી જતી હતી, એટલામાં એક યુવાને વૃદ્ધને ટેકો આપી ઉભા કર્યા. ઢળતી ઉમર મુજબ એમના હાથ ને પગ ધ્રુજી રહ્યા હતા. યુવાને અમને બેસાડી ને થોડું પાણી આપ્યું. વડોદરા સ્ટેશન આવવાને બસ ગણતરીની ૨ – ૩ મિનીટ બાકી હતી. એટલે વૃદ્ધ બાપ ના પુત્રે ફરી બોલવા માંડ્યું, “તમને કઈ શરમ જેવું હોય તો ઝટ ઊતરજો. મને દોડાવશો નહી. ના પાડી’તી  કે સાથે આવવાની કોઈ જરૂર પણ સમાજ પડે તો ને? કોણ જાણે શું જોવાનું બાકી રહી ગયું હતું? ને કયા જનમના પાપ કર્યા છેતો તમારો પાલો પડ્યો. ચાલો હવે, મારું મોઢું શું જુવો છો”. સ્ટેશન આવી ગયું હતું, પુત્રની ધર્મપત્ની જેમ દુષ્કાળગ્રસ્ત ભૂખથી પીડાતો હોઈ એમ ગરમી થી પીડાતી હોય એવો નાહક નો અભિનય કરી રહી હતી. પુત્ર ને પુત્રવધુ એમના બે બાળકો લઈને ઉતરી ગયા ને ઘરે વહેલા પહોચવા રીક્ષા શોધવા માંડ્યા. વૃદ્ધ ભીની આંખે બધું જોઈ રહ્યો, એના દુઃખનો પાર ન હતો. પોતાના પુત્ર માટે પોતાના સુખોનું બલિદાન આપનાર આજે પોતાના જીવન ની અતિમ ઘડી માટે ભગવાન પાસે યાચના કરી રહ્યો હતો, ને જાણે કઈ ખબર જ ના હોય એમ મૂંગો ભગવાન બધું જોઈ રહ્યો હતો. યુવાને વૃદ્ધને ધીરેથી નીચે ઉતાર્યા. વૃદ્ધે આભાર વ્યક્ત કર્યો. એટલામાં પાછળ થી ઘરડો ને ઉમરના લીધે ધ્રુજતો એક હાથ વૃદ્ધના ખભે મુકાયો ને અવાજ આવ્યો, “સાહેબ..”. વૃદ્ધે ફરી ને જોયું ને એની આંખમાં હર્ષના આંસુ આવી ગયા, “કોણ..? ઈશ્વર..??”.  ઈશ્વરભાઈ એ જવાબ આપ્યો, “હા સાહેબ હું જ, ને આ યુવાન મારો પુત્ર..”. વૃદ્ધ રડી પડ્યો ને જૂની યાદો તાજી કરવા લાગ્યો. વૃદ્ધે યુવાન ને કહ્યું, “બેટા, આ તારો બાપ મારી ઓફીસમાં હતો. મારો સારો મિત્ર. એને બહુ દુખના દહાડા જોયા છે, એનું ધ્યાન રાખજે.” યુવાન ને નમ્રતાથી જવાબ આપ્યો, “સાહેબ, મને ખબર છે, મારા બાપા ની ત્રેવડ ન હતી છતાં અમને ભણાવ્યા ને આજે સારી સ્થિતિમાં લાવી ને મુક્યા છે. એક સામાન્ય પટાવાળો કેટલું કરી શકે એની સમજ છે મને સાહેબ. હું સાત ભવ એમનો પુત્ર થઇ અવતરું તો પણ બાપ નું ઋણ ચૂકવી શકું એમ નથી. તમારી નાણાકીય મદદ ને લીધે જ તો હું આજે આ મુકામે પહોચ્યો છું.” ઈશ્વરભાઈ બોલ્યા, “બેટા, ચાલ જવાદે એ બધી વાતો ને આપણે અમને ઘરે મૂકી આવીએ.” વધારે ઉમેરતા એમણે વૃદ્ધ ને કહ્યું, “સાહેબ, ચાલો મારા પુત્ર ને લેવા મોટર આવી છે તમને ઘરે મુકતા જઈએ.” વૃદ્ધ થી ના રેહવાયું ને એમણે પૂછ્યું, “ઈશ્વર, તારો પુત્ર શું કરે..?” ઈશ્વરભાઈ એ વિનમ્રતા થી જવાબ આપ્યો, “એ ઘરડા ઘર ચલાવે છે, સાહેબ..” વૃદ્ધ નું હૃદય આ સાંભળી બેસી ગયું.
 
મને જગ્યા મળી ગઈ હતી, બારી પાસે..!! આખો ડબ્બો લગભગ ખાલી થઇ ગયો હતો. હું બારી પાસે બેસી બધું જોઈ રહ્યો. મારી આંખ માંથી આંસુ નીકળતા હતા પણ મને ભાન નહતું કે આંસુ લૂછવાની મેં દરકાર પણ નોહતી લીધી.

યુવાને અને ઈશ્વરભાઈ વૃદ્ધ ને ઘરે મૂકી જવા જીદ કરી. પણ વૃદ્ધ પોતાના નિર્ણય પર અચલ હતા. વૃદ્ધે કહ્યું, “બેટા, મારો પુત્ર મારી વાટ જોતો હશે. એને ચિંતા થતી હશે મારી. તું મને બહાર સુધી મૂકી જા, હું મારા પુત્ર જોડે જઈશ.” “ક્યાં ગયા..?? ચાલો ને હવે, ઝટ કરો. કે પછી અહિયાં રેહવાનો વિચાર છે?”, પુત્રનો કાને ઘસરકા પડતો અવાજ પાછો આવ્યો.

હું જોઈ રહ્યો. માણસના આવા બદલાયેલા સ્વરૂપો જોઇને હું ચકિત હતો. આટલો બધો ફેર માનવીના વર્તનમાં..? મારા દિમાગ માં આ પ્રશ્ન ચકરાવો લેતો હતો. ચારે અવસ્થાઓ અલગ અલગ સ્વરૂપમાં મેં આજે ફક્ત એક કલાક ને પંદર મિનીટમાં જોઈ હતી. આટલી બધી અસમાનતા સમાજમાં? હસવા – રમવાના દિવસોમાં ભીખ માંગવી..?? હકના પૈસા લેવામાટે પણ માર ખાવો..?? બધું હોવા છતાં પણ કઈ ના હોવું..?? પોતાની જાતનું બલિદાન આપનારના આ હાલ..? આ સમાજ..?? આ સંસ્કારો..?? તો ધૂળ છે આ માનવજાતને એની જીંદગીને એની સંસ્કૃતિને ને એના ગર્વને..

વડોદરા થી અમદાવાદ સુધી ની મુસાફરી મેં એજ વિચારો માં પૂરી કરી. ક્યારે મણીનગર આવી ગયું ખબર ના પડી. પણ આજે ફક્ત એક કલાક ને પંદર મિનીટ માં મને જીવન નો મર્મ સમજાઈ ગયો. ને મારું મન વિચારો ના ગુચવાડામાં ગુચવાઈ ગયું..

 
Zenith Surti | 15th Sep ’09

નારિયેળ..

(નવરાત્રી દરમ્યાન મંદિરે જવાનું થયું હતું. ત્યાનો માહોલ ને આહલાદક વાતાવરણ મનને શીતળતામાં ઢાળી દે એમ હતું. નદીનું શીતળ અને શાંત પાણી મનને અનેરો આનંદ આપતું હતું. પણ કેટલીક હકીકત આ શીતળ ને શાંત પાણીને ડોહળી દે તેવી હોય છે. આવી જ એક તદ્દન નકારી ન શકાય એવી વાત અહી કરું છું. વાર્તાનું શીર્ષક નારિયેળ છે, જે મંદિરે દર્શન વખતે ચઢાવવામાં ઉપયોગમાં લેવાય છે. અને એની જ જોડે સંકળાયેલી હકીકતની વાત છે.)
 
 
  
“નારિયેળ લઇ લો, નારિયેળ.., આઠ રૂપિયે નારિયેળ લઇ લો.. નારિયેળ.. તાજું નારિયેળ, માને ચરણે મુકવા નારિયેળ..” જેના દર્શન માત્રથી બધા પાપ નષ્ટ થાય એ રેવાના કિનારે માં અંબાનું ભવ્ય મંદિર, આશરે ૪૦૦-૫૦૦ વરસ પુરાણું. સાંજના ૭ જેવા વાગ્યા હતા. મંદિરની ભવ્યતામાં રેવાનો કિનારો જાણે આકાશગંગાની જેમ દીપી રહ્યો. નગારાનો રણકાર ને મધુર ઘંટનાદ વાતાવરણને આહલાદક બનાવી રહયાં હતા. વાતાવરણ આખું ભક્તિભાવવાળું થઇ ગયું હતું. ચારે તરફ માં અંબાની જય જયકાર થી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. રોશનીઓની ઝગમગાટ આંખને આંજી રહી હતી. ઉનાળામાં જેમ કીડીઓના રાફડા ફાટી નીકળે તેમ ઠેર ઠેર નારિયેળ, ફૂલ, અગરબત્તી, માની ચુંદડી વેચવા વાળાઓની રેકડીઓ જામી હતી. ભક્તોની ભીડ મંદિરની શોભામાં અભિવૃદ્ધિ કરી રહી હતી.
 
માની નવલી નવરાત્રીનો નવમો દિવસ હતો. હું પણ મારી રોજબરોજની ક્રિયાઓ માંથી સમય કાઢી મંદિરે દર્શન કરવા ગયો. હું એક દુકાને નારિયેળ લેવા ઉભો રહ્યો. દુકાન એકદમ નાનકડી હતી. લગભગ ૬૦ વરસ ની આસપાસ ની ઉમરના ઘરડા માજી બેઠા હતા. મ્હો પરની કરચલીઓ ને એમનું દુબળું પાતળું શરીર એમની ગરીબાઈની ચાળી ખાતા હતા. નારિયેળ ભરેલો કોથળો દુકાન ની બહાર પડ્યો હતો. દુકાનની આગળના ભાગમાં માની ચુંદડીઓ લટકાવેલી હતી. જમણી બાજુ માના શણગારની વસ્તુઓ ને ભાતભાતની અગરબત્તીઓનો ઢગલો હતો. ડાબી બાજુ એ બાઈ ફૂલોનો ઢગલો લઇ બેઠી હતી. એનો પાંત્રીસેક વરસનો છોકરો બહાર ઉભો રહી નારિયેળ – નારિયેળ બુમો પાડી રહ્યો હતો ને વસ્તુઓ સરખી ગોઠવીને એની માને મદદ કરી રહ્યો હતો. મેં એક નારિયેળ, નાનું અગરબત્તીનું પેકેટ ને માને ચઢાવવા ચુંદડી લીધી. એ બાઈને પૈસા આપી ને બધી વસ્તુઓ લઇ હું ત્યાંથી નીકળ્યો.
 
“ભૈરવ, ઓ ભૈરવ..!!” “શું સે લ્યાં..?? કેમ બુમો પાડે સે..??” એક ગંભીર અવાજે મારા કાને દસ્તક દીધી. મારું મન એમની વાતો સંભાળવા લલચાયું. મેં જરા ધ્યાન દઈને વાતો સંભાળવા માંડી. એક કદાવર કાળું શરીર, ઘેરો ને ગંભીર ચેહરો, નદી કિનારે રહેવાને લીધે કાળું પડી ગયેલું મોઢું, મોટી – મોટી મૂછો, નાકની જમણી બાજુ મૂછની ઉપર એક કાળો મોટો મસો, જાણે કે યમરાજનું સાક્ષાત સ્વરૂપ. ફાટેલો ને વરસોથી પોટલામાં બાંધી રાખેલો હોઈ એવો ડૂચોવાળેલો લાંબા સમય ને લીધે પીળો પડી ગયેલો શર્ટ, ઉપરના બે બટન ખુલ્લા, કાળા રંગનું મેલું ને રેતી લાગેલું પેન્ટ પહેરીને એક માણસ ભૈરવ ને બોલાવી રહ્યો હતો. ભૈરવ એટલે પેલી નારિયેળ વેચતીબાઈ નો દીકરો. “એ તો કઈની, આ જરા નારિયર લાયો શું.” “કોણ..?, કાલુ..? નારિયર લાયો સે..? કેટલા સે..?” “હત્તર નારિયર સે. ચાર રૂપિયા આપજે એક નારિયરના.” કાલુ એ વળતો જવાબ આપ્યો. “બઉ નારિયર લાવ્યો સે ને કઈ. નદી માં ખજાનો મળ્યો કે શું..?” ભૈરવે જવાબ આપ્યો. “ના રે ના આતો શરાધ્યા ગયા તો નદીમાંથી થોડા નારિયર વધારે મલ્યા ને થોડા સ્મશાનમાંથી મલ્યા..!!” કાલુ એ કહ્યું.
 
ત્યાં તો બીજો એક અવાજ મારે કાને પડ્યો, “ભૈરવ્યા, ઓ ભૈરવ્યા..!!” “હા ગોર મહારાજ, બોલો ને..?” ભૈરવે જવાબ આપ્યો. મેં વળીને જોયું, લગભગ ૪૫ વરસની ઉમરના કોઈ મંદિરના મહારાજ હોઈ એમ લાગ્યું. ગોળ મટોળ ઉઘાડું શરીર, માથે ટાલ, રેશમી પીતાંબર, ને શરીરે ”જય અંબે” લખેલું ખેસ. તાજું માજુ શરીર એમની અમીરાઇ ની પ્રતીતિ કરાવતું હતું. રોશનીઓના ઝગમગાટ માં એમનો ગોરવર્ણ ચમકી રહ્યો હતો. ઉચ્ચ વર્ણનું મુસદ્દિપણું એમની વાણીમાં પ્રગટ થતું. અભિમાનથી લથબથતો એમનો દેહ અત્યારની ભુલાયેલી વર્ણભેદ નીતિની ચાળી ખાતો હતો.
 
“ભૈરવ્યા.. આ કોથળામાં ચાલીશ નારિયેળ છે, લઇ લે ને પૈસા ઘરે મોકલાવી દેજે.” “પણ ગોર મહારાજ, આ કાલુ હત્તર નારિયર લાયો શે, ને તમારા ચાલીહ. આટલા બધા નારિયર મારે હુંકરવાનાં..?.” ભૈરવે વળતો જવાબ આપ્યો. “એટલે તું આ મરેલાઓ ના નારિયેળ વેચીશ મંદિરમાં ચઢાવવા..? એ વાઘરી કોણ જાણે કોણ-કોણ મરી ગયુ હોઈ એના નારિયેળ લઇ આવે છે..? તું સ્મશાન નાં નારિયેળ વેચીશ, પાપી..? એ પણ આ વાઘરી કાલુએ આપ્યા એ..?” ગોર મહારાજે અભિમાનથી જવાબ આપ્યો. “મહારાજ જરા હમભારીને બોલજો..? તમે કેવા કામ કરોહો એની મને ખબર શ. નાહકનું મારા મોમાંથી કઈ નીકરી ગયું તો..?” કાલુની વાત અધવચ્ચે કાપીને મહારાજ તાડૂક્યા, “તો..? તો શું કરી લઈશ શાલા હરામી..? ભાન છે તને કોની જોડે વાત કરે છે તું..? જટાશંકર ગોર મહારાજ, આ મંદિરનો પચ્ચીસ વરસ જુનો પુજારી, સમજ્યો નરાધમ.” ”તો હું થીયું..? ભગવાન જાણેસે કે તમે કેવા પુજારી શો.” કાલુ એ વળતું ફેક્યું. “બંધ થા હવે, નઈ તો તારા હાથ – પગ તોડાવી નાખીશ. નીચ જાત તે નીચ જ રહેવાની. નફફટને ભાન નથી બોલવાનું. ગમે તેમ બક્યા કરે છે. હરાવેલા નારિયેળ લઇ આવે છે વેચવા કોઈના મરેલા. શરમ નથી આવતી. સ્મશાન ના તો કઈ નારિયેળ ચઢાવાતા હશે માંને..?” ગોર મહારાજ બાખડ્યા. “તો મહારાજ તમે હું કરો શો..? મંદિરમાં ચઢાવેલા નારિયર બહાર વેચીદો શો અન ભગવોનના નોમના પૈહા ગજવામાં નાખો શો. પાપી ઊં થ્યો ક તમે થ્યાં..? જરા બોલવાનું ભોન રાખો નઈ તો લેવાના દેવા થઇ જહે.” કાલુ એ મક્કમતા થી જવાબ આપ્યો. ગુસ્સામાં આવીને ગોર મહારાજે વર્ણભેદ ભૂલી કાલુને તમાચો મારવા હાથ ઉગામ્યો ને કાલુ એ એમનો હાથ પકડી લીધો. એટલામાં ભૈરવે વચ્ચે પડી બંને ને છોડાવ્યા.
 
આ જોઈ હું સ્તબ્ધ થઇ ગયો. એક નારિયેળની આવી હકીકત..? માને ચરણે ચઢાવાતા નારિયેળ પાછળ આ રહસ્ય..? માનવીની લાગણીઓ અને ભાવનાઓ જોડે આટલો મોટો વિશ્વાસઘાત..? એક કાલુ જે સ્મશાનના નારિયેળ લઇ આવીને વેચે છે ને બીજો આ પુજારી જે માંને ચઢાવેલા નારિયેળ પાછા વેચીને પૈસા ભેગા કરે છે. આ નારિયેળ એજ કે જે શ્રીફળ કહેવાય..? ને ન જાણે કેટકેટલા ભક્તો પોતાની શ્રદ્ધામાં આવા નારિયેળ માંને ચઢાવી જાય છે. મારે મારા નારિયેળ નું મૂલ્ય મારી શ્રદ્ધા પરથી આંકવું કે પછી એની પવિત્રતા પરથી..? આ એજ નારિયેળ છે કે જે હું લઇ ને આવ્યો..? અને જેના માટે આ બે કળા માથાના માનવીઓ ઝગડી રહ્યા હતા..? ભગવાન તો મારા હૃદયમાં વસે છે, તો મારે માંને નારિયેળ ચઢાવી મારી શ્રદ્ધા જતાવવી કે કોઈ ગરીબને બે પૈસાની મદદ કરવી..? હું વિચારોમાં ખોવાઈ ગયો.
 
“અલા કાલુ, હું કરેશે..? તને કઈ ભાન-બાન શે..? ગમેતેમ બોલ બોલ કરેસે..? મૂંગો મરશે હવે. ગોર મહારાજ તમે પણ બસ કરો હવે ક્યાં આ પાપીને મોઢે લાગોશો. તમ તમારે જાવ, ઘરે પૈહા મોકલાવી દેવા. ને કાલુ લે આ તારા પૈહા ને હવે જા. મારા ઘરાક જાય છે. ધંધાના હમયે ખોટી ભેજામારી ના જોયે.” ભૈરવે પોતાની મનોવ્યથા ઠાલવી ને ગોર મહારાજ ને કાલુ પોતપોતાને રસ્તે છુટા પાડ્યા.
 
ક્યારે હું મંદિરે જઈ આવ્યો ને માંના ચરણોમાં નારિયેળ ચઢાવી આવ્યો એની મને ખબર ન રહી. વિચારોમાં હું એવો તો ખોવાઈ ગયો હતો કે ક્યારે ઘરે પહોચ્યો એનું પણ ભાન ના રહ્યું. આજની હકીકત જાણીને હજી હું સ્તબ્ધ હતો. માનવીની શ્રદ્ધા ને પૈસાની લાલશાનો ખેલ. ભગવાનની સેવા કરનારા એના જ નામે છેતરપીંડી કરે છે. બસ એજ વિચારોમાં ક્યારે ઊંઘ આવી ગઈ ખબર ન પડી.

 
Zenith Surti | 21st Oct ’09
Follow

Get every new post delivered to your Inbox.