માસિક દફતરખાનું: March 2010

ગરવો ગુજરાતી..

ચલ નીડર,
તું છે જીગર,
આ ગુજરાત નું..

સામી ડગર,
આઝાદની સફર,
ભાવી તું ગુજરાત નું..

નર્મદાના નીર અહીં,
ગાંધીની તસ્વીર અહીં,
સન્માન તું ગુજરાત નું..

નરસિંહના છે ભજન,
ને જલાનું જતન,
સંસ્કાર તું ગુજરાત નું..

ને ઝેરનાં જો થાય પારખા,
તો એ પણ લઈશું કરી,
નીલકંઠ તું ગુજરાત નું..

ઝેનિથ સુરતી
૨૧ માર્ચ ૨૦૧૦

ક્યાં..

ઓફીસ આવ્યો ત્યારથી મન નહોતું લાગતું, એટલે કઈ લખાવનું વિચાર્યું. મને ખબર નથી કેમ મેં આ રચનાનું સર્જન કર્યું પણ હકીકત કહું તો સર્જાઈ ગઈ. હા પણ મારા મનમાં અશાંતિ ઘણી હતી ને હું લખતો ગયો. લખતા ઘણું બધું લખાય ગયું. આ રચના માટે પ્રેરણાસ્ત્રોત કહું તો, ગઈકાલે વાંચેલી “ઘાયલ” સાહેબ, “મરીઝ” સાહેબ ને “આસીમ રાંદેરી” સાહેબ ની ગઝલોને પ્રથમ સ્થાને મૂકી શકું..

ભરીને હરણફાળ જાવું ક્યાં,
ભવનાં દરવાજા ખખડાવું ક્યાં..

પથ્થર પૂજતો ભગવાન ગણી,
દુ:ખડા “આજ” વિસરાવું ક્યાં..

હસ્તરેખા ભૂસી હથેળીની એમ,
નસીબડા મારા જોવડાવું ક્યાં..

ગલીઓ પણ લાગે અજાણી,
ઘડીઓ બે હેતની વિતાવું ક્યાં..

ફરિયાદ ઘણી છે એમને,
ઉત્તર મળે, તો જતાવું ક્યાં..

કઈ ન કહ્યાનોજ રંજ હતો મને,
જતા રહ્યા પછી સમજાવું ક્યાં..

સૂઈ જવું છે ક્યાંક નિરાંતે,
પ્રેમનું પાથરણું પથરાવું ક્યાં..

રોવું છે “આજ” મન મૂકી,
આંસુડા શોધીને લાવું ક્યાં..

ખુદને ભૂલી, ખુદથી દૂર જાવું ક્યાં,
ભૂલી કાલ, “આજ”ને બોલાવું ક્યાં..

ઝેનિથ સુરતી | ૧૮ સપ્ટેમ્બર, ૨૦૦૯

વર્તુળ..

માણસ એના જીવન માં સુખ અને દુખ ની માયાજાળ માં ગોળ ગોળ ફર્યા કરતો હોય છે. મારા માનવા પ્રમાણે માણસ જીવન અને વર્તુળ ઘણી ખરી રીતે એકબીજા જોડે સંકળાયેલા હોય છે, અને એ કારણે જ મેં ગણિતના વર્તુળ ને માનસ જીવન સાથે સરખાવવાની કોશિશ કરી છે. આશા રાખું કે મારી આ રચના તમને પસંદ પડે.

ર્તુળ માં માણસ “આજ ” ફસાતો જાય છે..
અણીયામાં પેન્સિલ રાખી એ વર્તુળ ઘુટતો જાય છે..

ગોળ ફરતો, સફર કાપતો, મંઝીલની શોધમાં,
સમય એનો ફક્ત પરીઘે ઘસડાતો જાય છે..

નથી ખૂણો કે નથી રેખા,
સંબંધોના તાર, પણ એ છેદતો જાય છે..

મધ્યબિંદુ એ પહોચવાની ધારે,
ત્રિજ્યા છોડી જીવા એ ભાખતો જાય છે..

નથી એકપણ અંશ શક્યતાનો,
છતાં મનનો વ્યાસ માપતો,
ઉકેલ એ અવળા શોધતો જાય છે..

π ની અચલતા વચ્ચે, ત્રિજ્યાનો વર્ગ કરી,
જીવનનું ક્ષેત્રફળ એ કાઢતો જાય છે..

લઘુવૃતાંશ ને ગુરુવૃતાંશ ની આંટીઘુટીમાં,
લાગણીના સ્પર્શકનું મૂલ્ય આંકતો જાય છે..

નથી વ્યાસ જેટલા કર્ણની શક્યતા,
કે પ્રણય નો કાટખૂણો રચાય,
કોણમાપક લઇ ખાલી ચાંપ દોરતો જાય છે..

પ્રમેયો વચ્ચે અટવાયેલા મૃત્યુની સાબિતી,
બસ એ પૂર્વધારણાઓ ને સહારે લખતો જાય છે..

અણીયામાં પેન્સિલ રાખી એ વર્તુળ ઘુટતો જાય છે..
વર્તુળ માં માણસ “આજ” ફસાતો જાય છે..

ઝેનિથ સુરતી, ૧૫ ડીસેમ્બર ૨૦૦૯

બેકલતા પછીની એકલતા.. વૃદ્ધાવસ્થાનું કડવું સત્ય..

વૃદ્ધાવસ્થાનું કડવું સત્ય..



 પ્રસ્તાવના


       થોડા દિવસો પહેલા મેં શ્રી ચંદ્રકાન્ત બક્ષીએ લખેલા મૃત્યુ વિશેના અમુક લેખો વાંચ્યા. ખુબ જ હૃદય સ્પર્શી અને તીક્ષ્ણ, સીધા દિલ અને દિમાગ પર વાર કરે એવા હતા. આ લેખો એમને એમના પત્નીના અવશાન પછી લખેલા છે. નાનામાં નાની વાતો એમને બહુજ સહજતાથી કહી છે, વૃદ્ધાવસ્થાની એકલતાની, સંબંધોની, હૂંફની, લાગણીની વાત કરી છે. હું અહીં એમના જ વિચારો ને મારી ભાષામાં ઉતારવાની તજવીજ કરી રહ્યો છું. 

ઝેનિથ સુરતી

૨૨ માર્ચ ૨૦૧૦

 ***


       કલતા વિશે તો બધા મોટેભાગે લગભગ જાણતા જ હશે. શ્રી ચંદ્રકાંત બક્ષી એ બહુ સરસ વાત કહી છે કે એકલતા માટે અંગ્રેજીમાં બે શબ્દો છે, “લોન્લીનેસ” અને “અલોનનેસ”. અને આ બંને શબ્દો વચ્ચે બહુ મોટો ફરક છે. લોન્લીનેસમાં દુનિયા માણસ ને અલગ પાડી દે છે, ને અલોનનેસમાં માણસ પોતે દુનિયાથી અલગ થઇ જાય છે. લોન્લીનેસ માં માણસ ને કોઈકની જરૂર સતત વર્તાયા કરતી હોઈ છે. કોઈક એની પાસે હોઈ, કોઈક આવીને એને સહારો આપે એવું અભિવ્યક્ત થયા કરતુ હોઈ છે. જયારે અલોનનેસમાં માણસ ને દુનિયાની કે બીજી કોઈ વસ્તુની કઈ પડી હોતી નથી. અલોનનેસમાં પણ માણસ મર્દ હોઈ છે. આ તો વાત થઇ એકલતાની પણ આ બેકલતા એ વળી શું..?

       શ્રી ચંદ્રકાંત બક્ષી એ આપેલો આ શબ્દ છે બેકલતા. બેકલતા એટલે બે માણસોની એકલતા. નવાઈ લાગી નઈ, વળી આ બેકલતા શું છે? બે માણસ તો છે, પછી એકલતા શાની? બે જણા સાથે મળી હરી-ફરી શકે, મોજ મસ્તી કરી શકે, વાતો કરી શકે, તો વળી એકલતા ને બેકલતા શું?

 ***

       તરુણ અને સુભદ્રા, તન-મન અને ધન થી સુખી સંપન્ન આડેધ વયનું જોડું. ૪૭ વરસનો આહલાદક લગ્નગાળો. એકની એક પુત્રીના વિવાહ વિદેશ થઇ ગયા હતા ને પુત્ર બેંગ્લોરમાં ઉચ્ચ હોદ્દા એ નોકરી કરતો હતો, ને અમદાવાદમાં આ બે જણા એકલા. સમજાઈ હવે બેકલતા..!! મહિને એકાદવાર પુત્ર અને પુત્રી જોડે વાત થઇ જાય, બાકીના દિવસ એજ શાંતિ નો એકદમ શાંત કાળો રંગ. એમ પણ અંધકારને ક્યા જુદા જુદા રંગ જ હોઈ છે. પુત્રી વિદેશ છે ને પુત્ર ને સમય નથી માં-બાપ જોડે રોજ ને રોજ વાતો કરવાનો. પુત્ર ને પણ પરિવાર છે, મોંઘવારી કુદકે ને ભૂસકે  વધી રહી છે, સમય બદલાઈ રહ્યો છે, જીવનશૈલી બદલાઈ રહી છે. તરુણ ને સુભદ્રા સવારે ઉઠે ચા-નાસ્તો કરે. બપોર તો કેમે કરતા નીકળી જાય પણ સાંજનું શું..? કારમી સાંજ કેમ કરી કાઢવી..? વાત કરી કરી ને પણ કેટલી કરવી ને કોની કરવી..? ઘડિયાળના કાંટા ફરે છે, સુરજ ઉગે છે ને આથમે છે, બસ ખાલી સમય જાય છે. આજે ૧૭ વર્ષ થયા એમને એકલા રહીને. ૧૭ વર્ષ, ખબર છે ૧૭ વર્ષ માં શું શું થાય..!! ત્યારે તરુણ નું હૃદય કહેતુ, કઈ નઈ ભાઈ સુરજ ઉગી ને આથમી જાય ને આમ ૧૭ વર્ષ પુરા થઈ જાય. કદાચ તમે હવે બેકલતા નો અર્થ સમજી ગયા હશો. મોટેભાગે આધેડ વયના દંપત્તિ માટે આ શબ્દ નવો નહિ હોઈ. બેકલતા એ જીવનકાલ દરમ્યાન આવતો જીંદગી નો જ એક ભાગ ગણી શકાય. અને એ પણ લોન્લીનેસ વાળો..!!

       હવે જુના પુસ્તક સમી આ જીંદગીના લખાયેલા પાનાની કિનારીઓ વળી ગઈ છે, ને પાના પણ પીળા પડી ગયા છે. હવે લખાયેલા પાના પાછા ફેરવવામાં માલ પણ નથી, ક્યાંક જોર થી હાથ લાગી જાય તો પાનું ફાટી જાય, ખરું ને..!! તરુણ ને સુભદ્રાની આ બેકલતા એમને કોરી ખાતી હતી. સમય કેમે કરીને પસાર થતો નહતો ને આંખો વધારે ને વધારે ઘરડી ને ઊંડી થઇ રહી હતી. સુભદ્રા સાંજે થોડી વાર પડોશીઓ સાથે બેસતી ને તરુણ બાગમાં આંટો મારી આવતો. રૂમમાં ટ્યુબલાઈટનો પ્રકાશ બલ્બની જેમ પીળો ને આછો થઇ રહ્યો હતો. અચાનક સુભદ્રાની તબિયત એક દિવસ બગડી, હાર્ટ-એટેક આવ્યો. તરુણ તરત સુભદ્રા ને હોસ્પિટલ લઈ ગયો. સુભદ્રાનો શ્વાસ અટકી અટકી ને જઈ રહ્યો હતો. ડોક્ટર પોતાનો મહત્તમ પ્રયાસ કરી રહ્યો હતો. તરુણ ના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. આભ ફાટી ગયું હતું. ત્રણ કલાક થયા પણ સુભદ્રાની તબિયતમાં કઈ સુધાર નહતો. તરુણની  આંખો રડી રડી ને લાલ થઇ ગઈ હતી. પુત્રી ને સમાચાર આપ્યા નહતા, ને પુત્ર ની ફ્લાઈટ ને બેંગલોર થી ઉપડવાને હજી બે કલાકની વાર હતી. ચાતક જેમ વરસાદની રાહ જોઈ રહ્યો હોઈ એમ તરુણ ડોક્ટર ના આઈ.સી.યુ માંથી બહાર આવાની રાહ જોઈ રહ્યો હતો. એટલામાં જ સુભદ્રા ને બીજો એટેક આવ્યો, ડોક્ટરોની ભાગદોડ મચી ગઈ, તરુણ આઈ.સી.યુ ના દરવાજાના નાનકડા કાચ માંથી બધું જોઈ રહ્યો, જાણે ભગવાનનાં દરબારમાં જીવન અને મૃત્યુનું કોઈ નાટક ના ચાલતું હોઈ..? ને એટલામાં તો ધબકારાની તીવ્રતા ઘટવા માંડી, ગ્રાફ ની રેખાઓ ક્ષિતિજની જેમ સીધી થવા લાગી. ડોકટરો એ શોક ટ્રીટમેન્ટ ચાલુ કરી. એક.. બે.. ત્રણ.. ઝટકા.. ને સુભદ્રાનું માથું જમણી બાજુ ઢળી પડ્યું. તરુણ બેભાન થઇ ભોંય ભેગો થયો. જાણે યુદ્ધમાં હારેલા રાજાને આજીવન કારાવાસની સજા. તરુણે આંખો ખોલી ત્યારે હોસ્પિટલ માં એક પલંગ પર હતો, એની સામે એનો પુત્ર ઉભો હતો. તરુણ થી ના રેહવાયું ને એને રડી દીધું. પુત્રી ને ખબર આપ્યા, પુત્રી પણ આવી ને તરુણે અંતિમક્રિયાની વિધિ પતાવી. પુત્ર ના આગ્રહ ને લીધે તરુણ એની સાથે બેંગ્લોર રેહવા જતો રહ્યો.

       મૃત્યુ.. અજીબ વસ્તુ છે નઈ. એક અગોચર વિશ્વ. શું રંગ હોઈ શકે એનો..? કાળો કે જે અંધકાર નો રંગ છે..? માણસ બધું છોડી ને ચાલ્યો જાય છે, કશાની પરવા કાર્ય વિના ને એકલો મુકતો જાય છે એના પ્રિયજનને. બાળક માંના પેટમાં હોઈ ત્યારથી જ તો એના મૃત્યુ નો સમય નક્કી હોય છે તો પછી આટલી બધી હૈયાહોળી શાની..? શું કામ દુ:ખ થાય છે લોકોને સ્વજનના જતા રેહવા પર..? માણસ બધું જ છોડી ને જાય છે, દુનિયા, સ્વજનો, લાગણી-હૂફ, સંબંધો બધું જ, છતાં એવું કેમ કહેવાય છે કે, “અવસાન પામ્યા”, “મૃત્યુ પામ્યા”, “સદગતિ પામ્યા”. જો મૃત્યુ એ પામવાની વસ્તુ હોઈ તો પછી આટલું દુ:ખ શાનું..? મારા મતે તો “સ્વર્ગે સિધાવ્યા” એ શબ્દ સાર્થક લાગે છે.

       તરુણ જતા તો જતો રહ્યો પણ સુભદ્રાની યાદ એને કોરી ખાતી હતી. જાણે કોઈ ભયંકર જીવલેણ રોગ એના શરીર ને ક્ષીણ કરી રહ્યું હોઈ. દિવસે ને દિવસે એની બેચેની ને એકલતા વધતી જતી હતી. હવે એ બેકલતા માંથી એકલતામાં આવી ગયો હતો. આવા સમયે એના પુત્રને કંપનીમાંથી વિદેશ જવાની તક મળી ને પુત્ર એ તક ખોવા નોહતો માંગતો. ને વળી કંપની પતિ-પત્ની બંનેને વિદેશ મોકલવા તૈયાર હતી. તરુણે સામેથી પુત્ર ને પોતે અમદાવાદ જ રેહશે એમ જીદ કરી ને અમદાવાદ પાછો આવી ગયો. પુત્ર-વહુ વિદેશ જતા રહ્યા.

       એજ અમદાવાદ, એજ ઘર, એજ યાદો, તરુણની આંખો ભીની થઇ આવી. પોતાનાથી થાય એટલું ઘર સાફ કરીને તરુણ સ્વસ્થ થયો. સાંજે બાગમાં આંટો મારવા ગયો ને પોતાના જુના થોડા મિત્રોને મળ્યો. એનું મન થોડું હળવું થયું. પણ પાછી એજ કારમી સાંજ, એજ ઘડિયાળનાં કાંટા ને હવે તો બેકલતાને બદલે ખાલી એકલતા. શું કરવું ને શું ન કરવું..? તરુણ પલંગ પર આડો પડ્યો હતો, બલ્બ નો આછો પ્રકાશ હતો, એ સુભદ્રાની યાદો માં ખોવાયેલો હતો ને અચાનક એની નજર બલ્બ ઉપર બાઝેલા જાળા પર પડી, ”સુભદ્રા, આ બલ્બ પર જાળા બાઝી ગયા છે, જરા સાફ તો કર કોઈ આવશે ને જોશે તો..?” પણ કોઈ સંભાળવા ત્યાં હતું નહિ, તરુણને સુભદ્રાની ખોટ સાલી રહી હતી. એનાથી રડી દેવાયું. સુભદ્રા નો એજ જુનો ફોટો ને રોજ નવો સુખડનો હાર. ફોટામાં એકધારું સુભદ્રાનું હાસ્ય ને અપલક આંખો. તરુણ કલાકો સુધી ફોટાને જોયા કરતો. ક્યારેક તો તરુણ બહાર આંટો મારીને આવે, ને ઘરના દરવાજે સુભદ્રા બુમ પાડી બેલ મારી ઉભો રહી જતો, ને પછી પરિસ્થિતિનો ખ્યાલ આવતા રડી દેતો.

       જેમ કોઈ પતંગિયું આગની જ્યોત ને પામવા મથી રહ્યું હોય એમ તરુણ એકલતાના અંધકારથી છૂટવા, ને મૃત્યુની જ્યોત પામવા મથી રહ્યો હતો. તરુણ લાચાર-રાંક થઇ ગયો હતો. એજ ડબલ બેડ હતા, બે ઓશીકા, બે ચાદરો, પણ હવે એક બેડ ખાલી છે, માથું એક છે, સ્વપ્ન પણ એક છે..!! એક સમયે એકજ બેડ પર બંને જણા આરામથી સુઈ રહેતા ને આજે આખો એક બેડ ખાલી છે, સુવા કોઈ નથી. કેટલી પામર જીંદગી છે એ તરુણને સમજાય રહ્યું હતું. ડ્રેસિંગ ટેબલના કાચ પર લાગેલા ચાંલ્લાને જોઇને એ હરખાઈ જતો. હજી સુભદ્રાના ચાંલ્લાની જગ્યા ત્યાં જ હતી, રોજ એ ચાંલ્લાને જોતો ને ખોવાઈ જતો. છે ને વિચિત્રતા, પહેલા એ સુભદ્રાને એજ ચાંલ્લા માટે વઢતો હતો ને આજે એજ ચાંલ્લા એનું જીવન બની ગયું છે.

       બધું એમનુએમજ હતું, ન હતી તો ફક્ત સુભદ્રા, એના મીઠા-મીઠા ઝગડા, એની મીઠી-મીઠી વાતો, ક્યારેક ગુસ્સે થઇ જવાની કળા તો ક્યારેક રિસાઈ જવાની અદા, એ સાથે મંદિરે જવું, રોજ રોજ ચીડવવું, ઓફિસેથી મોડા આવી એને મનાવવી, જન્મદિવસે અને લગ્નદિવસે છાની ભેટ આપવી, એ સવારની ચ્હા ને નાસ્તો, ઓફિસે જતા મળતો પ્રેમ, કઈ ન હતું.. ફક્ત એકલતા.. એકલતા ને એકલતામાં એનું શરીર સુકાઈ રહ્યું હતું. લજામણી નો છોડ જેમ અડતા જ બીડાઈ જાય એમ એનું જીવન બીડાઈ ગયું હતું. ખાલીપો એને ખાવા દોડતો હતો. રોજ ની જેમ એક સાંજે એ બલ્બના આછા પ્રકાશને જોતો જોતો સુભદ્રાના વિચારોમાં પલંગ પર પડ્યો, ને એનો જીવન પ્રકાશ બુઝાઈ ગયો. તરુણ હવે આ દુનિયાનો મહેમાન રહ્યો નહતો. એ પેલા મૃત્યુ નામના અગોચર વિશ્વનો સભ્ય હતો. સુભદ્રાની યાદ એને લઇ ગઈ, સદાને માટે, આ દુનિયાથી દુર, બહુ દુર..

ઝેનિથ સુરતી

૨૨ માર્ચ ૨૦૧૦ 

કણી એક સોનાની ને એક લોઢાની..

નાનકડા એક ગામની આ વાત છે. એક સોની ને એક લુહાર સામસામે રેહતા હતા. ને એમની દુકાન પણ એકબીજાની સામસામે જ હતી. રોજ સવારે લુહાર લોઢાને ટીપતો. એક દિવસની આ વાત છે. એક સવારે જયારે લુહાર લોઢાને ટીપતો હતો ત્યારે એક કણી સોનીની દુકાનમાં જઈને પડી. નસીબ જોગે લોઢાની કણી જ્યાં પડી હતી એની બરાબર બાજુમાં સોનાની કણી પડી. સોનાની કણી જોઇને લોઢાની કણીથી ના રેહાવાયું, ને એની આંખો ભીની થઇ આવી. સોનાની કણીથી લોઢાની કણીને પુછાય ગયું કે, બહેન કેમ છે..? શું કામ રડે છે..? લોઢાની કણી એ રડતા રડતા જવાબ આપ્યો, બહેન હું થાકી ગઈ છું. મને રોજ લુહાર ટીપે છે, કેટલું દુખ આપે છે. નથી રહેવાતું હવે બહેન. આ ભગવાન મને હવે લઇ લે તો બસ છે. સોનાની કણી બોલી, બહેન આમ તે કઈ દુઃખમાં રડાતું હશે..? દુઃખતો બધાને આવે બહેન. અને તને શું લાગે છે..!! આ સોની મને નઈ ટીપતો હોઈ. મને પણ ઘાટ આપવા સોની ટીપે જ છે. મને પણ દુઃખ પડે છે.

સોનાની કણી એ વાત વધારતા આગળ કહ્યું, બહેન, દુધમાં જો છાસનું ટીપું પડે તો એ દુખ વેઠીને દહીં બને છે. જો દહીને વલોવીએ તો એ માખણ બને છે. ને એમાં પણ દહીને દુખ વેઠવું પડે છે. માખણ ને ગરમ કરીએ તો ઘી બને છે. માખણ ને પણ કેટલું દુખ વેઠવું પડે છે. દુખ તો બધાને છે બહેન પણ તે એક વસ્તુ પર ધ્યાન આપ્યું..? કે દરેક વખતે વસ્તુનું મૂલ્ય વધતું જ જાય છે. દૂધ કરતા દહીં નું મૂલ્ય વધારે છે. દહીં કરતા માખણ નું ને માખણ કરતા ઘી નું મૂલ્ય વધારે છે. એટલે બહેન દુખ તો બધાને છે. એમાં રડવું નહિ.

ને ત્યારે લોઢાની કણી એ જવાબ આપ્યો, “તમારી વાત સાચી છે. સોની તને ટીપે છે ને ઘાટ આપે છે. પણ જે હથોડીથી ટીપે છે એ શાની છે..? સોનાની કણીએ કહ્યું, લોઢાની. લોઢાની કણીએ પૂછ્યું, કે તું જેના ઉપર ટીપાય છે એ શાનું બનેલું છે..? સોનાની કણી એ કહ્યું, લોઢાનું. ખરી વાત બહેન પણ મારે તો હથોડી પણ લોઢાની ને જેના ઉપર ટીપાંઉ એ પણ લોઢાનું. ને હું પોતે પણ લોઢાની. બહેન મારું દુઃખ તો બહુ વધારે છે, કેમ કે મને તો મારા જ દુ:ખ આપે છે..!!

ઝેનિથ સુરતી (સંકલન)

૧૦ માર્ચ, ૨૦૧૦

Follow

Get every new post delivered to your Inbox.